જામનગર, 5 ઓગસ્ટ (હિ.સ.) :
મેરા યુવા ભારત, જામનગરના નેજા હેઠળ જામજોધપુર અને લાલપુર તાલુકામાં માતા પ્રત્યે સન્માનની લાગણી સાથે પર્યાવરણ જાગૃતિ ફેલાવવાના હેતુસર એક પેડ મા કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને તાલુકામાં યોજાયેલા કાર્યક્રમમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવા મંડળના સભ્યો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સૌએ પોતાના માતાના નામે એક-એક વૃક્ષ વાવીને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વૃક્ષારોપણની સાથે સાથે માતા અને પર્યાવરણ થીમ પર આધારિત એક પેઇન્ટિંગ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને યુવાનોએ પોતાની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. શ્રેષ્ઠ કલાકૃતિઓને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમોનું આયોજન મેરા યુવા ભારત જામનગરના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ મૂળચંદજી દેશભ્રાંતરના માર્ગદર્શન હેઠળ કરાયું જેમાં રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો બાદિયાવદ્રા આશાબેન અને વારાગીયા જયદીપભાઈ, ખિંત લખનભાઈ અને ખિંત ખીમાભાઈ, એન.પી.કે.વી. હાઈસ્કૂલના આચાર્ય ખરસંદિયા મંજિલ, આચાર્ય ત્રિવેદી ઇશિતભાઈએ હાજરી આપી હતી. બંને સ્થળોએ શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં યુવા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT