વડોદરાના, 5 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી સામે, શહેર કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા બાંકડા ઉપર દારૂ પીતા બે યુવકોને પોલીસે ઝડપી લીધા હતા.
માહિતી મળ્યા મુજબ, કારેલીબાગ પોલીસ સ્ટેશનની ટીમ રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે કોઈ વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી કે, આનંદ નગર ચાર રસ્તા પાસે કેટલાક યુવકો જાહેરસ્થળે દારૂનું સેવન કરી રહ્યા છે. માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ.
પોલીસે સ્થળ પરથી નિકેત ભરતકુમાર શાહ (રહે. આનંદ નગર સોસાયટી, પાણીની ટાંકી રોડ, કારેલીબાગ) અને કુશ ગૌરવકુમાર શર્મા (રહે. નાથીબા નગર, હરણી રોડ) નામના બંને યુવકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. બંને સામે દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ધરપકડ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે