જામનગર, 5 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સુરક્ષા નથી એક પસંદગી, એ દરેક મહિલાનો હક છે - આ સૂત્ર સાથે મહિલાઓ પર થતી હિંસા, શોષણ અને અન્ય અત્યાચારો સામે જાગૃતિ લાવવા તથા મહિલાઓને કાયદાકીય અધિકારો, આત્મરક્ષા અને સુરક્ષાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવાના હેતુથી નારી વંદન ઉત્સવ નિમિત્તે જોડિયા તાલુકાના પીઠડ ગામે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન અને DLSAના ઉર્મિલાબેન દ્વારા મહિલાઓ પર થતી ઘરેલુ હિંસા અને તેના કાયદાકીય પાસાંઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ ચાલતી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અને SHETEAMની કામગીરી વિશે પણ સમજણ આપવામાં આવી હતી. પોક્સો એક્ટ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને ઉપસ્થિત મહિલાઓને બેગનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ અને દીકરી વધામણા કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને મહિલા સુરક્ષા જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહાનુભાવો, મહિલાઓ અને ગ્રામજનોએ સહભાગી થઈને આ દિવસની ઉજવણીને સફળ બનાવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન, તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન, ગામના સરપંચ અનસોયાબેન, DLSAના ઉર્મિલાબેન, સાયબર ક્રાઈમમાંથી જોસનાબેન, તેમજ મહિલા અને બાળ અધિકારી પી.આર. ડોડીયા,ડીએચડબ્લ્યુઇ ના સભ્યો, સખી વન સ્ટોપ સેન્ટરના સભ્યો સહિત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT