પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)પાટણ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી રંગભવન હોલ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં યોજાઈ હતી. કાર્યક્રમ અંતર્ગત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર મેળો અને લોન ધિરાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 530થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને 329 બહેનોએ નોકરી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણની મહિલા બાળ વિકાસ યુવા પ્રવૃતિ સમિતિની ચેરમેન ભારતીબેન ચૌધરી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી હતી. વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. મહિલા સ્વાવલંબન યોજના, મિશન મંગલમ અને પી.એમ. વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને મંજૂર થયેલ ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે તમામ ભાગ લેનાર મહિલાઓને IEC સામગ્રી અને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા.
સ્વરોજગાર મેળામાં જિલ્લાની વિવિધ ખાનગી કંપનીઓ અને સરકારી વિભાગોએ નોકરીદાતા તરીકે ભાગ લીધો હતો. દેના આરસેટીના હરેશભાઈએ રોજગારલક્ષી તાલીમ વિષે માહિતી આપી હતી, જ્યારે લીડ બેંક મેનેજર કુલદીપસિંહ ગેહલોતે મહિલાલક્ષી લોન યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. લાભાર્થી આશાબેન પ્રજાપતિએ પોતાના અનુભવ શેર કરતાં મહિલાઓને સ્વાવલંબન માટે આત્મવિશ્વાસ વધારવા પ્રોત્સાહિત કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર