પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તુટી પડવાના બનાવમાં છેલ્લા 25 દિવસથી હવામાં ટેન્કર લટકી રહ્યું હતુ, તેને નીચે ઉતારવાની જવાબદારી મુખ્યમંત્રી દ્વારા આણંદ જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવી હતી અને ત્યાંના વહીવટીતંત્રએ પોરબંદરના મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને કામ સોપતા સેન્ટરના સંચાલક અને તેમની ટીમે સ્થળ પર જઈને સર્વે કર્યો હતો અને ત્યારબાદ એરલીફટીંગ બલુનની મદદથી તેને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
વડોદરા જિલ્લાના પાદરામાં સ્થિત મહી નદી પર બનેલો ગંભીરા બ્રિજ કેટલાક દિવસો પહેલા તુટી પડ્યો હતો.પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાને જોડતો આ પુલ 1985 ની સાલમાં બન્યો હતો અને 25 દિવસ પહેલા તે તુટી પડતા 20 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ પુલ પર અકસ્માત સર્જાયો ત્યારે એક ટેન્કર ત્યાંથી પસાર થતુ હતુ જે હવામાં લટકી રહ્યુ હતુ. એ ટેન્કરને નીચે ઉતારવા માટે તેના માલિકે વારંવાર રજુઆતો કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી આ રજુઆતો પહોંચતા ગંભીરા બ્રિજની હદ અંગે વિવાદ ચાલતો હતો અને અંતે મુખ્યમંત્રીએ એવો આદેશ આપ્યો હતો કે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ટેન્કર નીચે ઉતારવા માટેની કાર્યવાહી કરવાની થશે. આણંદ જિલ્લા વહીવટી તંત્રએ બ્રીજ ઉપરથી ટેન્કરને નીચે ઉતારવા માટેની જવાબદારી પોરબંદરના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને સોંપી હતી. જેથી સેન્ટરના સંચાલક સ્થાપક કેતનભાઇ ગર અને તેમની ટીમ ગંભીરા બ્રિજ ઉપર પહોંચી ગઈ હતી અને ત્યાં સર્વે કર્યા બાદ તેને એરલીફટીંગ બલુનની મદદથી નીચે ઉતારવા માટેનું આયોજન નકકી કર્યુ હતુ જેમાં ટેન્કરના આગળના ભાગે કેપ્સ્યુલ રાખી અને તેમાં હવા ભરીને ઉંચુ કરવામાં આવ્યુ હતુ અને તેની પાછળની બાજુએથી ધીમે ધીમે લેવલ લઇને દોરડા દ્વારા આ ટેન્કરને ખેંચીને ઉપર લઇ લેવામાં આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya