મહેસાણા, 6 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના વરવાડા ગામમાં લગભગ 200 વિઘામાં ભીંડાનું વાવેતર થાય છે. અહીંના 100થી વધુ ખેડૂતો ખાસ કરીને ઉનાળો અને ચોમાસુ ભીંડાની ખેતી કરતા હોય છે. ચોમાસાની ઋતુમાં પિયતની જરૂર ન હોવા અને ખાતરનો ખર્ચ ઘટતો હોવાને કારણે ભીંડા વાવવાનું ખેડૂતોએ પસંદ કર્યું છે.
સ્થાનિક ખેડૂત હર્ષદભાઈ પટેલ જણાવે છે કે તેઓએ ચોમાસુ માટે એપ્રિલમાં હાઇબ્રિડ ભીંડાનું વાવેતર કર્યું છે, જે ડિસેમ્બર સુધી ઉપજ આપશે. આ ભીંડા ખૂબ નજીક નજીક આવે છે, જેથી પ્રતિ વિઘે દોઢ લાખ રૂપિયા સુધીની આવક થતી હોય છે. જોકે, આ વર્ષે ભાવ તળિયે જતા રહ્યા, જેના કારણે નફામાં ઘટાડો જોવા મળ્યો.
વરવાડા ગામના ભીંડા ખાસ કરીને સિદ્ધપુર માર્કેટયાર્ડમાં વેચાતા હોય છે અને સ્થાનિક વાતાવરણને અનુરૂપ ખેતી પદ્ધતિ અપનાવવાને કારણે ખેડૂતો દર વર્ષે ભીંડામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR