પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ મથકે એક મહિલાએ તેના પતિ સહિત સાસરિયા પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ દહેજની માગણી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ માટે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ વારંવાર પચાસ હજાર રૂપિયાનો દહેજ લાવવા દબાણ કરતા હતા. ફરિયાદીના પતિ નરેશ પરમાર ઉપરાંત મનુ પરમાર, અમથીબેન પરમાર અને પ્રફુલ પરમાર સામે ગુનો નોંધાયો છે. ફરિયાદીના ભાઈ અને પતિની બહેનના સાટામાં લગ્ન થયા હતા. બાદમાં પતિની બહેન રીસાઈને પિયર જતા પાટણ ખાતે ફરિયાદીના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ, 3 ઓગસ્ટ 2025ના રોજ સાંજે લગભગ સાત વાગ્યે આરોપીઓ ફરિયાદીની પિયે ઘેર આવ્યા હતા અને ગાળો બોલી હુમલો કર્યો હતો. તેમને ધક્કો મારી જમીન પર પાડી દેતા કપાળ અને બરડાના ભાગે ઈજાઓ થઈ હતી. ઉપરાંત, જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ અંગે વાઘડોદ પોલીસ મથકે BNS કલમ 85, 115(2), 296(ખ), 351(3) તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 3 અને 4 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર