પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેરની પવિત્ર સરસ્વતી નદીના કાંઠે આવેલા આંદેશ્વર મહાદેવ મંદિર પાસે પાટણ નગરપાલિકા દ્વારા બનાવાયેલા વિસર્જન કુંડમાં દશામાની વિસર્જિત મૂર્તિઓનો યોગ્ય રીતે નિકાલ ન થવાથી વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ દીપક પટેલ, કોર્પોરેટર ભરત ભાટિયા અને અન્ય આગેવાનોએ સ્થળ પર જઈ તપાસ કરતાં ખૂલ્યું કે મૂર્તિઓ ગંદા પાણીમાં દયનીય હાલતમાં પડી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો મૂર્તિઓનો વિસર્જન કુંડમાં ન કરી સીધો સરસ્વતી નદીમાં નાંખવામાં આવ્યો છે.
આ ઘટના અંગે લોકોમાં આક્રોશ ફેલાયો છે અને ધાર્મિક લાગણીઓને ઘાત પહોંચી છે. કોંગ્રેસના આગેવાનોએ તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે અને જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ કરવામાં આવવો જોઈએ. ખાસ કરીને, મૂર્તિઓને નદીના કિનારે ખાડો બનાવી વિધિવત રીતે સમાધિ આપવી જોઈએ જેથી નદીની પવિત્રતા જળવાઈ રહે.
પાટણ નગરપાલિકાની બેદરકારી સામે કોંગ્રેસ દ્વારા તંત્ર સામે રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી છે. આ મુદ્દે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સ્પષ્ટ કર્યો છે કે વિસર્જિત મૂર્તિઓનું યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે અને જરૂરિયાત પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર