વડોદરા, 6 ઓગસ્ટ (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય જયારે સમૃદ્ધ, સ્વસ્થ અને રાસાયણમુક્ત ખેતી માટે સતત પ્રયાસશીલ છે. ત્યારે એવીજ એક પ્રેરણાદાયક સફળતાની કથા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામના 42 વર્ષીય ખેડૂત દશરથસિંહ મંગલસિંહ ઝાલા. જેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી ભરપૂર આર્થિક લાભ મેળવી રહ્યા છે. લગભગ નવ વર્ષ પહેલાં શરૂ કરેલા દશરથસિંહ ઝાલા તેમની 3 વીઘા જમીનમાં બહુ-પાક પદ્ધતિ દ્વારા તેમની આવક વધારી રહ્યા છે અને આ વર્ષે તેમણે પ્રથમ વખત અમેરિકન મકાઈનું વાવેતર કર્યું છે અને લગભગ 5 લાખ રૂપિયા કમાવવાની અપેક્ષા રાખે છે. પપૈયા, કેળા, ગલગોટા અને મરચા જેવા અન્ય આંતર-પાકો તેમને વધુ પાંચ લાખ રૂપિયા કમાવશે.દશરથસિંહ ઝાલાનો મૂળ વ્યવસાય તો છેલ્લા 22 વર્ષથી ટ્રાન્સપોર્ટનો છે. પિતાના મૃત્યુ બાદ ઘરની જવાબદારી સાથે ખેતીમાં ધ્યાન અપાયું નથી. અને અંદાજિત વર્ષ 2017 પહેલાં ખેતીમાં નુકસાન અને ખર્ચ વધું થતાં ખેતી કરવાનું માંડી વાળવાનું અને પોતાની એકની એક ગાયને વેચી દેવાનું વિચાર્યું હતું. અને આજે માત્ર 3 વીઘા જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા વાર્ષિક 10 લાખ રૂપિયાની આવક કરી રહ્યા છે. તેમની ખેતી માત્ર આવકનું સાધન નથી રહી પરંતુ એક ચિંતન, એક સંકલ્પ અને એક સંદેશ બની ગઈ છે. 2021 થી આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયા અને દશરથસિંહ ઝાલાએ પોતાની એકની એક ગાયને વેચવાનું વિચાર્યું હતું એ માંડી વાળ્યું અને ઉપરથી અન્ય ગાયો પણ લઈ આવ્યા.
અત્યારે દશરથસિંહ ઝાલા પાસે 4 ગાયો છે. તેમના માટે તેઓએ એક તબેલો બનાવ્યો છે જેમાં ગાયોને પાણી પીવા માટે ઓટોમેટિક વોટર સિસ્ટમ મૂકી છે જેથી ગાયોને પાણી આપવામાં સમય વેડફાય નહીં અને ગાયોને જ્યારે પણ પાણી પીવું હોય ત્યારે પી શકે. બહુપાક પદ્ધતિ અને પંચસ્તરીય ખેતી ખેડૂત દશરથસિંહ ઝાલાએ જણાવ્યું કે, મોટાભાગનો ખર્ચ જે પહેલાં ખાતર પાછળ કરવો પડતો હતો એ ખર્ચ હવે 0 ટકા થઈ ગયો છે. પહેલા વર્ષે કેળાંની ખેતી કરી એમાં સફળતા મળ્યા પછી બટાટાની ખેતી કરી જેમાં વર્ષ 2020 માં બટાટાના 50 કિલોના 700 કટ્ટા જેટલો પાક મળ્યો હતો. ત્યાબાદ કેળાંની ખેતી કરી જેમાં દર વર્ષે આવક અને પાક બમણો થતો જાય છે. અગાઉ ખાતર લાવવા અને બિનજરૂરી ઘાસ કાઢવાની મજૂરી એમ લગભગ 50,000 જેટલો ખર્ચ એમનેમ જ થઈ જતો હતો જે હવે બિલકુલ ઓછો થઈ ગયો છે. વધુમાં જણાવ્યું કે, વર્ષ 2017 થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને બહુ-પાક પદ્ધતિથી પંચસ્તરીય શૈલીની ખેતી કરી રહ્યા છે. નારિયેળ, દાડમ, કેરી, સફરજન, ચિકુ, બેરી અને અંજીર જેવા અન્ય પાકોની સાથે મકાઈ, પપૈયા, કેળા, ગલગોટા, મરચાંની આંતર-પાક તરીકે ખેતી કરી છે. તથા ખેતરમાં ખેડાણ કરવા માટે સ્વ-ડિઝાઇન કરેલ પાવર ડ્રિલર અને નાના ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ સારા પરિણામો મેળવી રહ્યો છું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya