-સંસ્કૃત ભાષા એ પ્રાચિન ભાષા છે, સંસ્કારોની ભાષા છે: એન.વી.ઉપાધ્યાય
ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ સંસ્કૃત સંભાષણ વર્ગાભિયાનનો સમ્પૂર્તિ કાર્યક્રમ તથા સંસ્કૃત સપ્તાહોત્સવનો ઉદ્ઘાટન કાર્યક્રમ તા.૦૬-૦૮-૨૦૨૫, બુધવાર, સવારે ૧૧:૩૦ કલાકે યોજાયો.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને સંસ્કૃત ભારતી, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે તા.૩૧/૦૭/૨૦૨૫થી તા.૦૩/૦૮/૨૦૨૫ દરમ્યાન સંસ્કૃત સંભાષણ વર્ગોના આયોજન અંતર્ગત ૨૩ જેટલા સંસ્કૃત સંભાષણ વર્ગો કે જેમાં અંદાજીત ૧,૦૦૦ લોકો જોડાયા હતાં તે વર્ગોનું સમાપન તથા સંસ્કૃત સપ્તાહોત્સવનો ઉદ્ઘાટન એમ બે કાર્યક્રમ તા.૦૬-૦૮-૨૦૨૫, બુધવારે, સવારે ૧૧:૩૦ કલાકે યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં વિશિષ્ટ-અતિથિ તરીકે ગીર-સોમનાથ જીલ્લાના કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, અત્રેની યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા અધ્યક્ષરૂપે અને કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા નિમંત્રકરૂપે પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે આમંત્રિત અતિથિ રૂપે ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન, સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના પ્રધાનાચાર્ય ડૉ.સ્મિતા છગ, મહિલા આર્ટ્સ & કોમર્સ કોલેજના પ્રધાનાચાર્ય ડૉ. એમ. જે. બંધીયા, જિલ્લા શિક્ષણ વિભાગના નાયબ નિયામક વી.એમ.પંપાણીયા વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહના મંચસ્થ મહાનુભાવોએ સંભાષણ વર્ગોમાં જોડાયેલ તમામ ૧૨૩૩ લોકોને અભિનંદન પાઠવ્યાં. આ પ્રસંગે ટાવર ચોક, વેરાવળ મુકામે સવારે ૧૦:૦૦ કલાકે સંસ્કૃત શોભાયાત્રાને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ યાત્રા ટાવર ચોકથી શરૂ થઈને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં પહોંચી હતી, જેમાં ૧૨૦૦ થી વધુ સંસ્કૃત પ્રેમીઓ હાજર રહયા હતા.
આ સમારોહમાં વિશિષ્ટ-અતિથિ તરીકે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયએ કહ્યું. યુનિવર્સિટીના સંસ્કૃત સંભાષણ વર્ગાભિયાનની પ્રશંસા કરી અને આનંદ વ્યક્ત કર્યો. આપણી સંસ્કૃત ભાષા એ પ્રાચીન ભાષા છે. આપણા ભારતના કર્ણાટકનું મુત્તુર(માતુર) ગામ તથા ઉત્તરપ્રદેશનું જિરહી ગામ વર્તમાન જીવનમાં રોજ-બરોજનો વાર્તાલાપ સંસ્કૃત ભાષામાં કરે છે. આ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સડસડાટ સંસ્કૃત બોલતા જોઇને હું ખૂબજ પ્રસન્ન છું એમ કહ્યું.
વધુમાં, વેરાવળ –પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાનીએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરી. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ પોતાના અધ્યક્ષીય ભાષણ થકી સૌને પ્રેરિત કર્યાં. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ આરંભમાં મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવ્યો. સંસ્કૃત સંભાષણ વર્ગોના સંયોજક ડૉ. ડાયાલાલ મોકરિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો. અત્રેની યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનનાં અધ્યાપક ડૉ.જીગર ભટ્ટે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ