મહેસાણા, 6 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના ફતેહપુરા ગામના 33 વર્ષના અતિનભાઈ પટેલ એન્જિનિયરિંગ જોબ સાથે પશુપાલન પણ કરે છે. તેઓએ દૂધ વિતરણ માટે ઇલેક્ટ્રીક રીક્ષા ને મોડિફાય કરીને મિલ્ક એટીએમ બનાવ્યું છે, જે મોબાઇલ એપ્લિકેશનથી સંચાલિત છે. ગ્રાહકોને કાર્ડ આપવામાં આવે છે અને દૂધ જથ્થો નિયમિત રીતે મશીન મારફતે મળે છે, જેમાં ભેળસેળની શક્યતા રહેતી નથી.
તેમણે દૂધ વેચાણની શરૂઆત બરણીથી કરી હતી, પરંતુ દિલ્હી જેવા શહેરોમાં મળેલી પ્રેરણાથી આ આધુનિક મોડેલ અપનાવ્યું. હાલ તેમના ફાર્મમાં 150 જેટલા પશુ છે અને તેઓ દરરોજ આશરે 340 લિટર દૂધ વેચે છે. દૂધ ભરતી રીક્ષા ઇલેક્ટ્રિક હોવાને કારણે પેટ્રોલનો ખર્ચ પણ બચાવવામાં આવ્યો છે.
અતિનભાઈ પોતાના ગોબરગેસ પ્લાન્ટમાંથી બનેલું જૈવિક ખાતર પણ બનાવે છે અને ખેડૂતોને વેચે છે. તેઓ સફાઈ અને ગુણવત્તા પર ખાસ ભાર આપે છે, રીક્ષા અને દૂધના કન્ટેનરોનું હાઈપ્રેશર વોટર પંપથી નિયમિત સફાઈ થાય છે. આ રીતે, તેઓ ખેડૂતો અને ગ્રાહકો બંને માટે ટકી શકાય એવું આદર્શ મોડલ ઉભું કરી રહ્યા
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR