મહેસાણા, 6 ઓગસ્ટ (હિ.સ.)ગાંધીનગર મિલિટરી કેમ્પસ ખાતે તા. 6 ઑગસ્ટ, 2025ના રોજ આયોજિત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહેસાણાના પર્યાવરણપ્રેમી જીતુભાઈએ પણ મહત્વની ભૂમિકા ભજવી. “ગ્રીન ગુજરાત... ગ્રીન ગાંધીનગર”ના ઉદ્દેશ સાથે આયોજિત આ અભિયાન હેઠળ છેલ્લા વર્ષે 21,000 વૃક્ષો લગાવવામાં આવ્યા હતા, અને ચાલુ વર્ષે પણ એટલાં જ વૃક્ષો વાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
જીતુભાઈ છેલ્લા ઘણા વર્ષોથી મહેસાણા તેમજ આજુબાજુના જિલ્લાઓમાં સતત વૃક્ષારોપણ કરી રહ્યા છે. તેઓ સદભાવના ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે અને પર્યાવરણ જાળવણી માટે એક પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. તેમનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને જાગૃતિનાં પ્રયત્નોને ધ્યાનમાં લઈ તેમને ગાંધીનગરના આ અભિયાનમાં ગ્રીન એમ્બેસેડર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં માનનીય હસમુખ પટેલ (GPSC ચેરમેન, રિટાયર્ડ IPS), મિલિટરી જવાનો, NCCના વિદ્યાર્થીઓ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સહિયારું વૃક્ષારોપણ કરીને બધા મૈત્રીપૂર્ણ પર્યાવરણ માટેનો સંકલ્પ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR