પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): પાટણની ધારપુર મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના કેમ્પસમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે નવા વિશ્રામ ગૃહ ‘રેન બસેરા’નું ખાતમુહૂર્ત પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું. આ વિશ્રામ ગૃહ દુર્ગમ વિસ્તારોમાંથી આવતા દર્દીઓના પરિવારજનોને રહેવા તથા જમવાની સુવિધા સામાન્ય દરે ઉપલબ્ધ કરાવશે. આથી દર્દીની સારવાર દરમિયાન તેઓ પાસે રહી શકશે.
હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ પારુલબેન શર્માએ માહિતી આપી હતી કે આ વિશ્રામ ગૃહ ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળનું હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ખાવા-પીવાની વ્યવસ્થા હશે જેમાં એકસાથે ૧૨૦ લોકો એસી હોલમાં જમણ આપી શકશે. પ્રથમ અને દ્વિતીય માળ પર ડોર્મેટરી રહેશે જેમાં ૧૮૦ લોકો રહેવાની વ્યવસ્થા રહેશે. દરેક રૂમમાં બે વ્યક્તિઓ રોકાઈ શકશે.
આ પ્રસંગે કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, “વિશ્રામ ગૃહથી દર્દી અને તેના પરિવારજનોને મોટી રાહત મળશે અને હોસ્પિટલની સેવાઓ વધુ માનવીય બનશે.” આ વિશ્રામ ગૃહ આવતા ૬થી ૮ મહિનામાં તૈયાર થવાની શક્યતા છે. કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન, ડોક્ટરો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર