સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)- શહેરમાં ફરીથી સ્નેચરોનો આતંક જોવા મળી રહ્યો છે.દરમિયાન મુંબઈથી સુરત રેલ્વે સ્ટેશન ખાતે ઉતર્યા બાદ ત્યાંથી ઓટો રિક્ષામાં બેસી પોતાના ઘરે જઈ રહેલા દંપતી પૈકી વૃદ્ધાને અખંડ આનંદ કોલેજ નજીક ચાલુ રિક્ષામાં જ બાઈક સવાર સ્નેચરોએ નિશાના બનાવ્યો હતો, અને તેમના ખોળામાંથી પર્સ ઝૂંટવીને ભાગી છૂટયા હતા.પર્સની અંદર દંપતીના પાસપોર્ટ તથા દુબઈની કરન્સી સહિતની કિંમતી વસ્તુઓ અને રોકડ રકમ હતી.
ચોકબજાર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 68 વર્ષીય ગણેશભાઈ ધરમશીભાઈ પટેલ ( રહે- શુભલક્ષ્મી રેસીડેન્સી ધર્મનંદન ફાર્મની બાજુમાં સિંગણપોર) અને તેમના પત્ની વસંતબેન નાઓ સાથે ગતરોજ બોમ્બેથી ટ્રેન દ્વારા સુરત પહોંચ્યા હતા,અને સુરત રેલ્વે સ્ટેશનથી રિક્ષામાં બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા.દરમિયાન તેઓ હરીઓમ મીલ અને અખંડ આનંદ કોલેઝ વચ્ચેથી પસાર થઇ રહયા હતા. ત્યારે રિક્ષાની પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યા સ્નેચરોએ તેમના પત્ની વસંતબેનના ખોળામાંથી પર્સ ઝૂંટવીને ભાગી ગયા હતા.પર્સની અંદર તેમનો મોબાઈલ ફોન તેમજ બંનેના પાસપોર્ટ તથા સાંભળવાનું મશિન રોકડ રકમ અને દુબઈની કરંસી 250 દિરહામ સહિતની મતા હતી.સ્નેચીંગના બનાવને પગલે વૃદ્ધ દંપતી ઘબરાય ગયા હતા.જોકે બાદમાં ગણેશભાઈ પટેલે ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે અજાણયા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે