પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)પાટણના હાંસાપુર ખાતે એલપી ભવનની પાછળ આવેલી સુરમ્ય સોસાયટીમાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા ગેસ શેરલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ગેસ લાઇન માટે ખોદકામ થયા બાદ તેનો યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી. રજૂઆતો છતાં પણ એજન્સી તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. ખોદકામ દરમ્યાન નીકળેલી માટીનો નિકાલ ન થતા સોસાયટીમાં ગંદકી ફેલાઈ રહી છે, જેના કારણે રહીશો તકલીફોનો સામનો કરી રહ્યા છે.
સોસાયટીના રહેવાસીઓએ આકરો આક્ષેપ કર્યો છે કે, જેમણે ગેસ કનેક્શન માટે અરજી કરી છે, તેમને હજુ સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત, ગેસ એજન્સીના અધિકારીઓ કામ પૂરું થયા પહેલા જ 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) માટે દબાણ કરી રહ્યા છે, જે રહેવાસીઓ માટે અસ્વીકાર્ય છે. તેઓનું કહેવું છે કે, જ્યાં સુધી તમામ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી NOC પર સહી શક્ય નથી.
આ સમગ્ર મામલે સાબરમતી ગેસ એજન્સીના વહીવટીતંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક કામગીરી પૂરું કરવા, માટીનો નિકાલ કરવા અને યોગ્ય રીતે લાઇન પુરી કરીને પછી જ NOC માગવાની પ્રક્રિયા અમલમાં મૂકવાની માંગ સાથે તાત્કાલિક પગલાં લેવા આહવાન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર