પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2025-26ની PhD પ્રવેશ પ્રક્રિયાની પ્રથમ તબક્કા તરીકે 4થી 6 ઓગસ્ટ દરમિયાન વાઇવા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ઉમેદવારોમાંથી લગભગ 83% ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. યુજીસીના ધારાધોરણો અનુસાર, નિષ્ણાતોની કમિટી બનાવીને ઉમેદવારોના વિષયલક્ષી જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી. આ કમિટીમાં યુનિવર્સિટીના તજજ્ઞો ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, સુરત, અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા જેવી અન્ય યુનિવર્સિટીઓમાંથી પણ નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
એકાઉન્ટ્સ/કોમર્સ વિષયમાં ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ હોવાથી, તેમનું વાઇવા પરીક્ષણ ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. જ્યારે અંગ્રેજી, ગુજરાતી અને ઇકોનોમિક્સ જેવા વિષયો માટે ઉમેદવારો વધુ હોવાથી, આ વિષયોના વાઇવા પણ બે-બે દિવસ સુધી યોજાયા હતા. પરીક્ષાનું સંચાલન યુનિવર્સિટીના જુદા-જુદા બે ભવનોમાં સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, બહારથી આવેલા તમામ નિષ્ણાતોનું માનદ વેતન અને ગાડી ભાડું પણ તાત્કાલિક રૂપે તેમના ખાતામાં જમા કરવામાં આવ્યું હતું.
કુલપતિ અને કુલસચિવના માર્ગદર્શન હેઠળ પ્રવેશ સમિતિ અને યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા તમામ પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. બંને મહાનુભાવો દ્વારા સમગ્ર ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પ્રવેશ સમિતિના કોઓર્ડિનેટર ડો. આશિષ પટેલના જણાવ્યા મુજબ, હવે હાજર રહેલા તમામ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવશે અને આગળની પ્રક્રિયા માટે ઉમેદવારોને માહિતી આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર