પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.): ભારતના રાષ્ટ્રપિતા તુલ્ય અને સ્વચ્છતાના આગ્રહી મોહનદાસ ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં આજે મોટાપાયે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું જેમાં પોરબંદર મહાનગર પાલિકાના કમિશ્નર હસમુખ પ્રજાપતિએ પણ હાથમાં ઝાડુ લઈ વિસ્તારોમાં સફાઈ કરી હતી.થોડા દિવસો પૂર્વે કરાયેલા એક સર્વેમાં પોરબંદરને સ્વચ્છતામાં 100મુ સ્થાન આપવામાં આવ્યું હતું. જે અગાઉ 249મુ સ્થાન હતું ત્યારે સ્વચ્છતામાં આગળ વધતા પોરબંદર 249 માંથી 100માં સ્થાને પહોંચ્યું હતું તેમજ ગુજરાતની 9 મનપામાં ત્રીજા નંબરે રહ્યું હતું. સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીને કારણે ભારતને 79 વર્ષ પહેલા 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી ત્યારે આ વર્ષે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી પણ પોરબંદરમાં થનાર છે તે અનુસંધાને આજે પોરબંદર શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે, બંગડી બજાર, સુદામા ચોક સહિતના વિસ્તારોમાં ગ્રીન પોરબંદર અને પોરબંદર મનપા દ્વારા સંયુક્ત રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં પોરબંદર મહાનગર પાલીકાના કમિશ્નર હસમુખ પ્રજાપતિ પણ જોડાયા હતા અને તેઓએ પણ હાથમાં ઝાડુ લઈ વિસ્તારની સફાઈ કરી હતી. આ તકે કમિશ્નર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પોરબંદર આપણું શહેર છે અને આપણા શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે. અને વધુમાં લોકોને કચરાની ગાડી આવે ત્યારે તેમાં કચરો નાખવા. રસ્તા પર કચરો ન ફેલાવવા લોકોને અપીલ કરી હતી.
ગ્રીન પોરબંદરના સભ્યો પણ જોડાયા
પોરબંદરને હરિયાળું બનાવવાની નેમ લેનાર ગ્રીન પોરબંદર સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 9 હજારથી પણ વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે ત્યારે સંસ્થાના સેવાભાવી સભ્યો પોરબંદરને ફક્ત હરિયાળું જ નહિ પરંતુ સ્વચ્છ અને સુંદર પણ જોવા માટે કામ કરી રહ્યા છે. ગ્રીન પોરબંદરના રામદેવભાઈ મોઢવાડીયા, કો-ઓર્ડીનેટર ધર્મેશ પરમાર સહિતના સભ્યોએ પણ પોરબંદરમાં સફાઈ અભિયાનમાં ઝાડુ હાથમાં લીધું હતું. આ તકે રામદેવભાઈ મોઢવાડિયે જણાવ્યું હતું કે, પોરબંદરએ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે જેઓ સ્વચ્છતાના આગ્રહી હતા અને મહાત્મા ગાંધીને કારણે આપણે આજે અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા છે ત્યારે તેમની જન્મભૂમિ પોરબંદરને સ્વચ્છ રાખવી એ સૌ પોરબંદર વાસીઓનું કર્તવ્ય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya