સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)- ગત રોજ વધુ એક વખત રાહુલ રાજ મોલની સામે બેફામ દોડી રહેલા સિમેન્ટ હોટમીક્સનાં ડમ્પર દ્વારા બાઈક સવાર સિક્યુરિટી ઓફિસરને અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે વધુ એક વખત શહેરીજનોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. અલબત્ત, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેતાં ટ્રાફિક પોલીસને સઘન કામગીરી કરવા માટે લાલ આંખ કરી હતી. જેને પગલે રાતોરાત દોડતી થયેલી ટ્રાફિક પોલીસે ગણતરીનાં કલાકોમાં જ શહેરમાં પ્રતિબંધિત સમયમાં દોડતાં ભારે વાહનો વિરૂદ્ધ અભિયાન હાથ ધરીને 308 વાહનો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી જ્યારે 29 વાહનોને ડિટેઈન કરવાની કાર્યવાહી કરી પોતાની પીઠ થાબડી છે.
રાજ્યનાં આર્થિક પાટનગર ગણાતાં સુરત શહેરમાં હેલમેટ વિના રસ્તા પર નીકળતાં વાહન ચાલકો અને ઓવરસ્પીડ કરતાં વાહન ચાલકો સીસીટીવીમાં ઝડપાઈ જાય છે અને તેમના ઘરે મસમોટો મેમો પહોંચી જતો હોય છે. પરંતુ ટ્રાફિક પોલીસનાં આ જ સીસીટીવી કેમેરામાં પ્રતિબંધિત સમયમાં પણ સસ્તા પર બેફામ દોડતા ભારે વાહનો નજરે પડતાં નથી. વાહન ચાલકોની સુરક્ષા અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ધારિત સમયમાં શહેરમાં ભારે વાહનોની અવર - જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ ભારે વાહનો શહેરમાં બિન્ધાસ્ત દોડતાં હોય છે. બીજી તરફ ગત રોજ હોટમિક્સ ડમ્પરે રાહુલ રાજ મોલ પાસેથી પસાર થઈ રહેલ બાઈક સવારને અડફેટે લેતાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાનાં શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા પણ ટ્રાફિક પોલીસને તાત્કાલિક જાહેરનામા અમલ અંગનો સ્પષ્ટ આદેશ કર્યો હતો. પોલીસ કમિશનરની લાલ આંખ નિહાળીને ફફડી ઉઠેલા ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલથી જ ભારે વાહનો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે માત્ર ગણતરીનાં કલાકોમાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત સમયમાં દોડી રહેલા ભારે વાહનો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી 308 વાહનો પાસેથી મસમોટો દંડ વસુલ કરવામાં આવ્યો હતો જ્યારે 29 વાહનોને ડિટેઈલ કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે