સુરત , 6 ઓગસ્ટ (હિ.સ.)-શહેરનાં યુવા ધનને ડ્રગ્સનાં નશામાં ધકેલનારા ઈસમો વિરૂદ્ધ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નો ડ્રગ્સ ઈન સુરત સિટી હેઠળ ગત રોજ એસઓજી પોલીસ દ્વારા ભાઠેના ખાતે માથાભારે શિવા દરબારને 11.83 લાખનાં મેફેડ્રોન ડ્રગ્સની ઝડપી પાડ્યો હતો. કુખ્યાત આરોપી શિવા પાસેથી પોલીસે બે લોડેડ પિસ્ટલ સહિત ચાર નંગ વોકીટોકીના પણ ઝડપી પાડ્યા હતા. પોલીસથી બચવા માટે શિવા દરબાર અને તેના સાથીઓ મોબાઈલને બદલે વોકીટોકીથી એકબીજાના સંપર્કમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં, આરોપીઓ પોલીસ માટે કાટી અને ડ્રગ્સ માટે કપડું શબ્દનો કોડવર્ડ તરીકે ઉપયોગ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા શિવા દરબારની સાથે - સાથે લાલગેટ - સલાબતપુરા અને આસપાસનાં વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરનાર તેના અન્ય સહયોગી મોહસીન ઉર્ફે છત્રીને પણ ઝડપી પાડ્યો છે. જ્યારે સગરામપુરા ખાતે રહેતો ઈમરાન ઉર્ફે ઇમરાન ગડ્ડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
શહેરનાં ભાઠેના ખાતે આવેલ ઉમિયા માતા મંદિર પાસે પંચશીલ નગરનાં એક મકાનમાં માથાભારે શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર (મુળ રહે ધંધુકા, અમદાવાદ) છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ડ્રગ્સનો વેપલો કરતો હોવાની બાતમી એસઓજી પીઆઈ એ.પી. ચૌધરીને મળી હતી. એસઓજી પોલીસ દ્વારા બાતમીનાં આધારે ગત રોજ પંચશીલ નગરમાં દરોડો પાડીને કુખ્યાત શિવા દરબારને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપીનાં ઘરની તલસ્પર્શી તપાસ હાથ ધરતાં 11.84 લાખ રૂપિયાનું 118.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સિવાય તેની પાસેથી એક લાખ રૂપિયાની બે પિસ્ટલ પણ મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી 13 નંગ કારતૂસ પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ઘરની તપાસ દરમિયાન ડ્રગ્સના વેપલા થકી 16 લાખ રૂપિયાની કાળી કમાણીનો દલ્લો પણ જોઈ પોલીસ ખુદ એક તબક્કે ચોંકી ઉઠી હતી. એસઓજી પોલીસ દ્વારા શીવા દરબાર પાસેથી કુલ્લે 30.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પ્રાથમિક પુછપરછ કરતાં તે મુંબઈ ખાતેથી મોટા પાયે ડ્રગ્સ લાવીને સુરતમાં છુટક વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા શિવા દરબારની સાથે - સાથે તેની પાસેથી ડ્રગ્સ ખરીદીને છુટક વેચાણ કરનાર લાલગેટના સીંધીવાડ ખાતે રહેતા મોહસીન અબ્દુલ વહાબ શેખ ઉર્ફે છત્રીને ઝડપી પાડ્યો હતો. હાલમાં એસઓજી પોલીસ દ્વારા આ બંને આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જ્યારે સગરામપુરા ખાતે રહેતો વધુ એક સાથીદાર ઈમરાન ગડ્ડી અમીરૂદ્દીન શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતમાં છુટક વેચાણ
ભાઠેના અને આસપાસનાં વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતો શીવા દરબાર છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના વેપલામાં સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી શીવા દરબાર અને તેના બે પંટરો મુંબઈથી વિનોદ દયારામ વર્મા નામક ઈસમ પાસેથી મોટા પાયે મેફેડ્રોન ડ્રગ્સ લાવીને સુરતમાં છુટકમાં વેચાણ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન શીવા દરબાર અને તેના બે સાથીઓ મોહસીન અને ઈમરાન પણ આ ગોરખધંધોમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત, પોલીસના હાથે ઝડપાયેલા શીવા દરબાર અને મોહસીનની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
મુંબઈનાં ડ્રગ્સ ડિલર વિનોદ વર્મા સહિત બે વોન્ટેડ
સુરતમાં મોટા પાયે ડ્રગ્સ પેડલરો દ્વારા મુંબઈથી ડ્રગ્સની ખરીદી કરવામાં આવતી હોય છે. જેને પગલે વધુ એક વખત આ પ્રકરણમાં પણ ડ્રગ્સનો સપ્લાયર મુંબઈનો હોવાનો ખુલાસો થયો હતો. શીવા દરબાર મુંબઈમાં રહેતા વિનોદ દયારામ વર્મા પાસેથી મોટા પાયે ડ્રગ્સની ખરીદી કરીને સુરતમાં વેચાણ કરતો હોવાની જાણ થતાં જ એસઓજીની એક ટીમ મુંબઈ ખાતે વિનોદ વર્માની ધરપકડ માટે રવાના કરવામાં આવી છે. જ્યારે શીવા દરબાર સાથે મળીને સુરતમાં ડ્રગ્સનું વેચાણ કરનાર સગરામપુરાનાં ઈમરાન ગડ્ડીને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
શીવા દરબાર વિરૂદ્ધ હત્યા - ખંડણી સહિતનાં 16 ગુન્હા
ભાઠેના અને આસપાસનાં વિસ્તારમાં કુખ્યાત બની ચુકેલો શીવા દરબારને એસઓજી પોલીસ દ્વારા 11.83 લાખ રૂપિયાનાં ડ્રગ્સ અને બે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવતાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શીવા દરબાર વિરૂદ્ધ સુરત શહેરનાં જ સલાબતપુરા, ઉમરા, રાંદેર અને સચીન જીઆઈડીસી સહિત ઈચ્છાપોર પોલીસ મથકમાં 16 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, મારામારી, અપહરણ અને ખંડણી સહિતની ગંભીર ફરિયાદો તેની વિરૂદ્ધ પોલીસ મથકમાં દાખલ થયેલ છે. આશ્ચર્યની વાત છે કે, શીવા દરબાર વિરૂદ્ધ માત્ર સલાબતપુરા પોલીસ મથકમાં જ સાત ફરિયાદો નોંધાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે