પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટણ એસઓજી શાખાએ બે નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા છે, જે સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતાં હતા. પોલીસ અધિકારી જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન ભીલવણ અને લક્ષ્મીપુરા વિસ્તારમાંથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે ભીલવણ ગામે ડેરી સામેની ભાડાની દુકાનમાંથી મહમદ સલીમભાઈ દાવડા અને વદાણી(લક્ષ્મીપુરા) ગામે પાણીની ટાંકાની સામે ગલીમાં ભાડાના મકાનમાંથી અબ્દુલ રઉફ કોવડીયાને પકડી લેવામાં આવ્યા હતા.
આ બંને વ્યક્તિઓ પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં તેઓ બીમાર લોકોને તપાસી દવા અને ઇંજેક્શન આપતા હતા. તેઓ આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી દાખવી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી ઇંજેક્શનો, દવાઓ અને મેડિકલ સાધનો મળીને રૂ. 7,273.72 ની કિંમતનો માલ જપ્ત કર્યો છે.
બંને નકલી ડોક્ટરો સામે BNS-2023ની કલમ 319(2) અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ વાગડોદ પોલીસ હાથ ધરી રહી છે. પાટણ જિલ્લાના લોકોના આરોગ્યની રક્ષા માટે નકલી ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, કારણ કે આ પ્રકારના ગેરકાયદે પ્રેક્ટિસ સામાન્ય લોકો માટે ગંભીર જોખમ બની શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર