
પાટણ, 19 મે (હિ.સ.) પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં પૂર્ણ થઈ હતી. ભાજપના મેન્ડેડ પરથી ચંદ્રિકા રાવળ પ્રમુખ અને ઉત્કર્ષ પટેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા બન્યા હતા.
પાટણ પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત રાવળ સમાજના ઓબીસી વર્ગની મહિલા તરીકે ચંદ્રિકા રાવળ પ્રમુખ પદે ચૂંટાયા છે. પાલિકા હોલ ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી આગામી પાંચ વર્ષમાં શહેરના વિકાસને વેગ આપવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
પ્રમુખ પદ માટે ભાજપ તરફથી ચંદ્રિકા રાવળ અને કોંગ્રેસ તરફથી સમીમ બાનુ સુમરા વચ્ચે મુકાબલો થયો હતો. મતદાનમાં ચંદ્રિકા રાવળને 25 મત મળ્યા હતા, જ્યારે સમીમ બાનુ સુમરાને 17 મત મળ્યા હતા. એક અપક્ષ સભ્યએ ભાજપને સમર્થન આપ્યું હતું.
ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉત્કર્ષ પટેલ અને કોંગ્રેસના અલ્કેશ પટેલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. તેમાં ઉત્કર્ષ પટેલને 25 મત અને અલ્કેશ પટેલને 17 મત મળતા ઉત્કર્ષ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
ભાજપના બંને ઉમેદવારો વિજેતા બનતા સભાખંડમાં સમર્થકો દ્વારા વધામણી કરવામાં આવી હતી. સાથે જ કારોબારી ચેરમેન તરીકે નીલમ કુમાર પટેલ, પક્ષના નેતા તરીકે મનોજ ઠાકોર અને દંડક તરીકે મનીષા પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી હતી.
નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકારાવળે જણાવ્યું હતું કે તેઓ પાટણ શહેરના તમામ 11 વોર્ડમાં કોઈપણ ભેદભાવ વગર વિકાસના કામોને આગળ ધપાવશે અને નગરજનોની સમસ્યાઓના નિરાકરણ માટે કામ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ