
ગીર સોમનાથ 19 મે (હિ.સ.) જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા સરકારી આઈ.ટી.આઈ. ગોરખમઢી (સુત્રાપાડા) ખાતે નોકરીદાતાઑ તથા રોજગારવાંચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો હતો.
આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશ્યલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાં કુલ ૧૦૩ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા સીનોવા ગિયર એન્ડ ટ્રાન્સમિશન રાજકોટ તેમજ નેકસ્ટેજ ઈકોમર્સ કંપની મુંદ્રા (ભુજ) નોકરીદાતાના પ્રતિનિધિઓ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઉપસ્થિત ૧૦૩ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૮૦ રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી. અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદ ઉપરાંત રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વાર કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ