
ગીર સોમનાથ, 19 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં અનુસૂચિત જનજાતિના લોકોને ઘર આંગણે જ સરકારી યોજનાઓનો લાભ મળે એવા હેતુસર જનભાગીદારી અભિયાન અંતર્ગત અલગ-અલગ તાલુકાઓના નિયત સ્થળો પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી વસવાટોમાં જનભાગીદારી અભિયાન અંતર્ગત સરકારી યોજનાઓ પ્રત્યે જનજાગૃતિ વધારવા માટે તાલાલા તાલુકાના જાંબુર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં માધુપુર-સૂરવા-મોરુકા સહિતના નાગરિકોએ ભાગ લીધો હતો.
વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા કેમ્પમાં ૨૩૦ થી વધુ આયુષ્માન કાર્ડ, ૩૦ થી વધુ રેશન કાર્ડ, આધારકાર્ડની સેવાઓ, કિસાન ક્રેડિટ કાર્ડ, પી.એમ.આવાસ યોજના, જાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડનું વિતરણ, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતના લાભો આપવામાં આવ્યાં હતાં.
અનુસૂચિત જનજાતિના નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરતા આ કેમ્પની સાથે આરોગ્યલક્ષી કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૨૫ થી વધુ નાગરિકોની સ્વાસ્થ્યલક્ષી અને ટી.બી તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન પ્રાયોજના અધિકારી આર.એસ.સોલંકી સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ