
પાટણ, 19 મે (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવી છે. રણજીતસિંહ સોલંકીને પ્રમુખ, પ્રમોદ પટેલને ઉપપ્રમુખ અને અંકુર મારફતિયાને કારોબારી ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વરણી બાદ નવનિયુક્ત હોદ્દેદારોએ પાલિકા કચેરી ખાતે પહોંચી વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. આ દરમિયાન તમામ સભ્યો એક જ બસમાં સવાર થઈને કચેરી પહોંચ્યા હતા.
હોદ્દેદારોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવવાના સંદેશને સમર્થન આપતા પોતાના અંગત વાહનોનો ઉપયોગ ટાળ્યો હતો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની અછત અને દેશમાં પેટ્રોલ-ડીઝલ બચતના સંદેશને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી હતી.
એક જ બસમાં મુસાફરી કરીને નવનિયુક્ત સભ્યોએ ઇંધણ બચાવવાનો અનોખો સંદેશ આપ્યો હતો, જેને લોકો દ્વારા પણ પ્રશંસા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ