

ભરૂચ 19 મે (હિ.સ.) ભરૂચ નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડેલા મામા અને ભાણેજ અચાનક ડૂબી જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, કબીરવડ યાત્રાધામના વિકાસ કાર્ય અંતર્ગત નદી કિનારે ખોદવામાં આવેલા ઊંડા ખાડાઓમાં ન્હાતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઉનાળા વેકેશન સાથે જ ભરૂચના સુપ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવડમાં મામા ભાણેજ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં નર્મદા માર્કેટ લસણ વાળા ફળિયામાં 20 વર્ષીય અમિત લખાભાઈ વાઘેલા રહે છે. વેકેશન હોવાથી સુરતના કોસાડ ગામે રહેતો 7 વર્ષીય ભાણેજ રાજ રાજેશભાઇ વાઘેલા વેકેશન માણવા મામાના ઘરે આવ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મામા ભાણેજ કબીરવડ ગયા હતા. જ્યાં આજે બપોરે એક વાગ્યે તેઓ નર્મદા નદીમાં ન્હાવાની મજા લઈ રહ્યા હતા. દરમિયાન ભાણેજ રાજ નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેને બચાવવા જતા મામા અમિત પણ નદીના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા.
ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકો અને નાવિકોને થતાં જ તેઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બચાવ પ્રક્રિયા હાથ ધરવાની સાથે લશ્કરના જવાનો અને સ્થાનિક તરવૈયાઓને પણ આ અંગે જાણ કરી હતી. ઘટનાને પગલે પરિવારજનો સહિત માછીમારોનાં ટોળેટોળાં નદી કિનારે ઉમટી પડ્યાં હતાં. લશ્કરી જવાનો, સ્થાનિક નાવિકો અને તરવૈયાઓની ટુકડીઓ દ્વારા નદીમાં લાપતા બનેલા મામા-ભાણેજની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
મોડી સાંજ સુધી ચાલેલી શોધખોળ બાદ પણ ભાણેજનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જો કે, સાંજે આશરે છ વાગ્યાના અરસામાં મામા અમિતનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હોવાની વિગતો સાંપડી છે.
મળતી માહિતી મુજબ, મૃતક અમિતભાઈએ હમણાં જ ધોરણ-12ની પરીક્ષા પાસ કરી હતી અને તેઓ આગળ કોલેજમાં પ્રવેશ મેળવવાની તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યાં જ આ કાળમુખી ઘટનાએ તેમના જીવનનો અંત આણી દીધો છે.
નદી કિનારે કબીરવડ યાત્રાધામને વિકસાવવા માટે તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે આ ખાડાઓ યોગ્ય સુરક્ષા સાધનો કે ચેતવણી બોર્ડ વિના એમ જ છોડી દેવાયા હતા, જેમાં ન્હાવા પડેલા મામા-ભાણેજ ડૂબી ગયા.
હાલમાં મામાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે, જ્યારે લાપતા બનેલા ભાણેજની શોધખોળ માટે વહીવટી તંત્ર અને તરવૈયાઓની ટીમ હજુ પણ કાર્યરત છે. ઘટનાને પગલે મૃતક અને લાપતા યુવકના પરિવારજનોના આક્રંદથી નદી કિનારે હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ