
પાટણ, 19 મે (હિ.સ.) NEET પરીક્ષાનું પેપર લીક થવા અને પરીક્ષા રદ થવાના મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં આજે પાટણ ખાતે પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
યુથ કોંગ્રેસના કાર્યકરો ટીબી ત્રણ રસ્તા પાસે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેમણે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં સરકાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ