
જામનગર, 20 મે (હિ.સ.) : જામનગર શહેરમાં ગોવાળની મસ્જિદ પાસે આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં આજે બુધવારે સવારે દસમા માળેથી અજાણી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. યુવતી દસમા માળેથી નીચે પટકાતા સ્થળ પર જ મોત નિપજયું હતું. સવારે બનેલા બનાવને કારણે એપાર્ટમેન્ટના રહેવાસીઓ તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ આદરી હતી. તપાસ દરમ્યાન મૃતદેહ દ્રષ્ટિ જતિનભાઇ પારેખ (ઉ.વ.23) નામની યુવતીનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. તેમજ તપાસ દરમ્યાન બહારથી આવેલી યુવતીએ આજે સવારે નવ વાગ્યાના અરસામાં શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી નવમા માળે ગઇ હતી અને ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી.
બનાવની જાણના આધારે પોલીસે મૃતક યુવતીની ઓળખ મેળવી તેના પરિવારજનોને જાણ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોને જાણ થતાં યુવતીના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં યુવતીનો મૃતદેહ નિહાળતા પરિવારોમાં આક્રંદ વ્યાપી ગયો હતો.
વધુમાં મળતી વિગત મુજબ યુવતી બી.એ.ની વિદ્યાર્થિની હતી અને હાલ તેણીએ ડ્રોપ આઉટ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ યુવતીએ ડિપ્રેશનમાં આવીને જિંદગી ટૂંકાવી હોવાના તારણના આધારે પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી. આ આપઘાતના બનાવમાં એપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજમાં યુવતી તેના વાહન ઉપર એપાર્ટમેન્ટમાં આવતી નજરે ચઢે છે અને ત્યારબાદ લીફટ દ્વારા ઉપર જઇને ત્યાંથી છલાંગ લગાવી હોવાની શક્યતાના આધારે પોલીસે વધુ તપાસ આરંભી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt