
જામનગર, 20 મે (હિ.સ.) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે યોજાનારી આ પરીક્ષામાં જામનગર જિલ્લામાંથી કુલ 3634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પરીક્ષાઓ નિર્ધારિત કેન્દ્રો પર કડક દેખરેખ અને નિયમો વચ્ચે લેવામાં આવશે.
શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી દેખરેખ, ફ્લાઇંગ સ્ક્વોડ તથા ગેરરીતિ રોકવા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સમયસર હોલટિકિટ ડાઉનલોડ કરી પરીક્ષા કેન્દ્ર પર ફરજિયાત ઓળખપત્ર સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ધો.10 અને 12માં નાપાસ થયેલા તેમજ ગુણ સુધારણા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
શિક્ષણવિદોના મતે પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ બગાડયા વિના આગળ વધવાની તક આપે છે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તૈયારીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લામાં પર નજર કરીએ તો ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયેલ છે. ધોરણ 10 માં 2360 પરીક્ષાર્થીઓ છે તો ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 463 અને સામાન્ય પ્રવાહમાં 811 પરીક્ષાર્થીઓ નોંધાયેલ છે. આમ કુલ 3634 પરીક્ષાર્થીઓ માટે હોલ ટિકિટ અને બેઠક વ્યવસ્થા સહિતની બોર્ડના નિયમ મુજબની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવાં મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt