
જામનગર, 20 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ, જામનગર દ્વારા તા. 19/05/2026ના રોજ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ વેસ્ટ એશિયામાં અમેરિકા-ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આતંકવાદી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે દરિયાઈ વિસ્તારમાં સતત ચાંપતી નજર રાખવી જરૂરી બની છે. ખાસ કરીને હાઈ એલર્ટ બાદ સામાન્ય બનેલી પરિસ્થિતિ દરમિયાન સતર્કતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ કામગીરી એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા તથા દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પો.ઈ. ધરમવીર આર. યાદવ, પો.સ.ઈ. જી.એમ. બોપલિયા, પો.સ.ઈ. ડી.એચ. જાડેજા તેમજ તમામ મરીન કમાન્ડો અને બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું.
ખારા બેરાજા, માધાપર ભૂંગા, રોઝી બંદર, નવા બંદર અને બેડી બંદર સહિતના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં ફૂટ તથા બોટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ બોટ, ફિશ લેન્ડિંગ પોઇન્ટ, ફિશિંગ સેન્ટર, વાઇટલ એરિયા તેમજ અવાવરૂ સ્થળોની સઘન ચેકિંગ હાથ ધરી હતી. દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનો મુખ્ય હેતુ રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt