
વલસાડ, 20 મે (હિ.સ.) : ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાત રાજ્યમાં સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં જોડાવા અપીલ કરી છે.
સરકાર દ્વારા નાગરિકોને આગામી તા. 31 મે 2026 સુધી ઓનલાઈન પોર્ટલ મારફતે સ્વ-ગણતરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વસ્તી ગણતરીથી મળતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. કલેક્ટરએ જિલ્લાના નાગરિકોને se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરવાની અપીલ કરી છે.
મોબાઈલથી સેલ્ફ-એન્યુમેરેશન કેવી રીતે કરવું ?
સેલ્ફ-એન્યુમેરેશન પ્રક્રિયામાં સૌપ્રથમ વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર જઈ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પસંદ કરી કેપ્ચા કોડ સાથે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ પરિવારના વડાનું નામ અને 10 આંકડાનો મોબાઈલ નંબર દાખલ કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
એક પરિવાર માટે માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ થઈ શકશે અને પરિવારના વડાનું નામ બાદમાં બદલાઈ શકશે નહીં. ત્યારબાદ ઓટીપી વેરિફિકેશન તથા ભાષાની પસંદગી સાથે લોકેશનની વિગતો દાખલ કરવી પડશે. જેમાં જિલ્લો, ગામ અથવા શહેર અને પિનકોડની માહિતી આપવાની રહેશે.
ત્યારબાદ મેપ પર લાલ માર્કર દ્વારા ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે. બાદમાં વસ્તી ગણતરી સંબંધિત પ્રશ્નોના જવાબ સાથે ડેટા એન્ટ્રી કરી પ્રિવ્યૂમાં વિગતો ચકાસવાની રહેશે. જરૂર જણાય તો તેમાં ફેરફાર કરી શકાશે અથવા ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકાય છે.
ફાઈનલ સબમિટ કર્યા બાદ માહિતી લોક થઈ જશે અને તેમાં ફેરફાર શક્ય નહીં રહે. ત્યારબાદ 11 આંકડાનો યુનિક SE ID જનરેટ થશે, જે મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે. વસ્તી ગણતરીના કર્મચારી મુલાકાતે આવે ત્યારે આ ID બતાવવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha