ઓનલાઈન દવાઓના વેચાણ અને ગેરકાયદે ઈ-ફાર્મસીના વિરોધમાં તમામ દુકાનો બંધ રાખીને કેમિસ્ટોએ વિરોધ નોંધાવ્યો
પાટણ, 20 મે (હિ.સ.) : ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર પાટણ શહેર અને જિલ્લામાં આશરે 750 હોલસેલ તથા રિટેલ મેડિકલ સ્ટોર સંચાલકોએ એક દિવસીય પ્રતીક હડતાળ પાળી હતી. ઓનલાઈન દવાના વેચાણ અને ગેરકાયદે ઈ-ફાર્મસીના વિરોધમાં તમામ દુકાનો બંધ રાખીને કેમિસ્
ઓનલાઈન દવાઓના વેચાણ અને ગેરકાયદે ઈ-ફાર્મસીના વિરોધમાં તમામ દુકાનો બંધ રાખીને કેમિસ્ટોએ વિરોધ નોંધાવ્યો.


પાટણ, 20 મે (હિ.સ.) : ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર પાટણ શહેર અને જિલ્લામાં આશરે 750 હોલસેલ તથા રિટેલ મેડિકલ સ્ટોર સંચાલકોએ એક દિવસીય પ્રતીક હડતાળ પાળી હતી. ઓનલાઈન દવાના વેચાણ અને ગેરકાયદે ઈ-ફાર્મસીના વિરોધમાં તમામ દુકાનો બંધ રાખીને કેમિસ્ટોએ વિરોધ નોંધાવ્યો હતો. હડતાળ દરમિયાન ઇમરજન્સી સેવાઓ યથાવત રાખવામાં આવી હતી. દર્દીઓને ગંભીર મુશ્કેલી ન પડે તે માટે શહેર તથા તાલુકા સ્તરે 24 કલાક કાર્યરત કેટલાક મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવ્યા હતા. બંધ દુકાનો બહાર હડતાળના બેનરો સાથે દર્દીઓ પાસે ક્ષમાયાચના પણ કરવામાં આવી હતી.

કેમિસ્ટ એસોસિએશનનો આક્ષેપ છે કે કોરોના કાળ દરમિયાન અપાયેલી ઓનલાઈન દવાના વેપારની છૂટ હવે નાના વેપારીઓ માટે આર્થિક ફટકો બની છે. સરકારને અનેક રજૂઆતો છતાં ગેરકાયદે ઓનલાઈન વેચાણ સામે કોઈ કડક કાર્યવાહી ન થતાં એસોસિએશન આક્રમક બન્યું છે.

એસોસિએશન મુજબ મોટી કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટના નામે ડુપ્લીકેટ અને અપ્રમાણિત દવાઓ વેચી રહી છે. ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે નશાકારક દવાઓનું વેચાણ પણ નિયંત્રણ વગર થઈ રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કેમિસ્ટોએ સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં ઓનલાઈન દવાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ, કોરોના કાળની છૂટછાટો રદ કરવી, ભારે ડિસ્કાઉન્ટ બંધ કરાવવું, ગેરકાયદે ઈ-ફાર્મસી બંધ કરવી અને નશાકારક દવાઓના ઓનલાઈન વેચાણ પર રોક લગાવવાની માંગ સામેલ છે.

હડતાળને કારણે સામાન્ય નાગરિકોને દવાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક દર્દીઓ અને તેમના પરિવારજનોએ જરૂરી દવાઓ ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સારવારમાં આવી મુશ્કેલીઓ માટે જવાબદારી કોણ લેશે તેવો સવાલ ઉઠાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande