
ભાવનગર, 20 મે (હિ.સ.) : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાલીતાણા તાલુકામાં બાળકોના સર્વાંગી વિકાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને વાલીઓની સક્રિય સહભાગિતા વધારવાના હેતુસર “બાલક-પાલક સર્જન કાર્યક્રમ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની કુલ ૨૦૨ આંગણવાડી કેન્દ્રોમાં ઉત્સાહભેર યોજાયેલા આ કાર્યક્રમને વાલીઓ અને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
પી.ઓ. શિલ્પાબેન ડામોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માતા-પિતા અને વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોના પ્રારંભિક શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ બાળ વિકાસમાં માતા-પિતાની અગત્યની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકોને આપવામાં આવતી પોષણ, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત સેવાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં વધુ બાળકોનું આંગણવાડીમાં નામાંકન થાય, બાળકો નિયમિત રીતે કેન્દ્ર સાથે જોડાયેલા રહે અને વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે તે માટે પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વાલીઓએ પણ આ કાર્યક્રમને બાળકોના ભવિષ્ય માટે લાભદાયી ગણાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સીડીપીઓ અલ્પાબેન મકવાણા, મુખ્ય સેવિકા બહેનો, પી.એસ.સી. ઇન્સ્ટ્રક્ટર વર્કર બહેનો તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગની આ પહેલથી બાળ શિક્ષણ અને સંસ્કારના મજબૂત પાયા નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA