
સુરત, 20 મે (હિ.સ.): સચીનમાં લાજપોર ખાતે આવેલ ડિલીવરી કંપનીમાં નોકરી કરતાં પાંચ કર્મચારીઓએ એક બીજાનાં મેળાપીપણામાં કંપની સાથે વિશ્વાસઘાત કરીને 17.45 લાખ રૂપિયાની ઉચાપત કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી આરોપીઓ કેન્સલ કરવામાં આવેલ પાર્સલનાં ઓર્ડરમાં અદલા બદલી કરીને તેની જગ્યાએ ડમી પાર્સલ જમા કરાવી દેતા હતા અને સિવાય રોકડ હિસાબમાં પણ લોચો મારતા હતા. જો કે, લાંબા સમયથી ચાલી રહેલ આ ગોરખધંધા અંગે કંપનીનું ધ્યાન જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
શહેરનાં સચીન ખાતે આવેલ લાજપોરમાં વિશ્વકર્મા કોમ્પલેક્ષમાં આઈડેન્ટીફાઈ પ્લસ ડિલીવરી સર્વિસ નામની કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી સુર્યપ્રકાશ રામાનંદ પ્રજાપતિ (રહે. મારૂતિનગર, વિજલપોર) (2) કપિલ કુમાર કનૈયા મહતો (રહે. ગજાનંદ કોમ્પલેક્ષ, સચીન) (3) અભિનંદન અશોકકુમાર તિવારી (રહે. અંબિકા નગર, પારડી કણદે, સચીન) (4) નઝીમ નઈમ પટેલ ( ડુંભાલ ટેનામેન્ટ, આંજણા રોડ) અને (5) મનીષ વસંતભાઈ જગતાપ (સુડા સહરકાર રેસીડેન્સી, કુંભારીયા) નોકરી કરતા હતા. આ દરમિયાન માર્ચ મહિના દરમિયાન કલસ્ટર મેનેજર સુર્યપ્રકાશ પ્રજાપતિએ પોતાનાં અન્ય સહકર્મી હબ ઈન્ચાર્જ કપિલ મહંતો, ટીમ લીડર અભિનંદન તિવારી, ડિલીવરી એજન્ટ નઝઈમ પટેલ, મનીષ જગતાપસાથે મળીને એક બીજાનાં મેળાપીપણામાં કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીઓ દ્વારા આઈડેન્ટીફાઈ પ્લસ ડિલીવરી સર્વિસ પ્રા. લી. કંપની સાથે ચીજવસ્તુનાં પાર્સલ ઓર્ડર કેન્સલ કરવામાં આવતાં પાર્સલમાં અદલા બદલી કરીને ડમી પાર્સલ જમા કરાવી દેવામાં આવતાં હતા. આ અંગે કંપનીનાં ઉચ્ચાધિકારીઓનું ધ્યાન જતાં અંતે તમામ આરોપીઓ વિરૂદ્ધ 17.45 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવા પામી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે