
ભાવનગર, 20 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને ઘરઆધારિત રોજગારીના નવા માર્ગો ઉભા કરવા બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં અમલમાં રહેલી કેનીંગ અને કિચન ગાર્ડન યોજના અંતર્ગત ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને ૨ દિવસીય અને ૫ દિવસીય તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ ખાદ્ય બનાવટો વિશે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં શરબત, સ્ક્વોશ, જામ, જેલી, કેચપ, સોસ તેમજ વિવિધ પ્રકારના અથાણાં બનાવવાની રીતો શીખવવામાં આવશે. તાલીમનો મુખ્ય હેતુ મહિલાઓને ઘરગથ્થુ કૌશલ્યને આધારે નાના વ્યવસાય તરફ પ્રોત્સાહિત કરવાનો છે.
દરેક તાલીમ વર્ગમાં કુલ ૩૦ તાલીમાર્થી બહેનોને સામેલ કરવામાં આવશે. તાલીમનો સમય દરરોજ ઓછામાં ઓછો ૭ કલાકનો રહેશે. તાલીમ દરમિયાન મહિલાઓને પ્રોત્સાહનરૂપે દૈનિક રૂ.૨૫૦ની વૃતિકા પણ ચૂકવવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ૧૮ થી ૫૮ વર્ષની વય ધરાવતી મહિલાઓએ ઓનલાઇન અરજી કરવી ફરજિયાત રહેશે. અરજી માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૦૮ જૂન ૨૦૨૬ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
વિભાગ દ્વારા મંજૂરી મળ્યા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં અરજીની સહીવાળી નકલ તથા જરૂરી આધાર પુરાવા સાથે દરખાસ્ત રજૂ કરવાની રહેશે. વધુ માહિતી માટે બહેનોને બાગાયત ખાતું હેઠળ નાયબ બાગાયત નિયામકની કચેરી, નવાપરા, ભાવનગર ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA