રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પંચમહાલ જિલ્લાની મુલાકાતે, રાત્રિસભા કરી
- કાલોલ તાલુકાના મલાવ ગામ ખાતે રાજ્યપાલએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ પંચમહાલ/ગાંધીનગર, 20 મે (હિ.સ.) : પંચમહાલ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રથમ દિવસની રાત્રીએ ''ગ્રામ કલ્યાણ કાર્યક્રમ'' અંતર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


રાત્રિસભા


- કાલોલ તાલુકાના મલાવ ગામ ખાતે રાજ્યપાલએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ

પંચમહાલ/ગાંધીનગર, 20 મે (હિ.સ.) : પંચમહાલ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રથમ દિવસની રાત્રીએ 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત કાલોલ તાલુકાની મલાવ ગામની પીએમશ્રી પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ, પ્રાકૃતિક કૃષિ અને શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલએ ગામની સમરસતા અને એકતાના વાતાવરણની પ્રશંસા કરતા જણાવ્યું કે, જો પરિવારમાં સ્નેહ, એકતા અને ભાઈચારો હોય તો તે ધરતી પરનું સ્વર્ગ છે. મલાવ ગામ અન્ય ગામ કરતા કઈ રીતે આદર્શ ગામ બને તે અંગે જણાવ્યું કે, સફાઈ અને પર્યાવરણની રક્ષા કરવામાં ક્યારેય શરમ અનુભવવી જોઈએ નહીં. પર્યાવરણની રક્ષા અને સફાઈ કરનારા હંમેશા મહાન હોય છે. વૃક્ષોનું જતન અને માવજત કરવી આપણી ફરજ છે.

વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગ્રામજનોએ અઠવાડિયામાં એક દિવસ થોડો સમય કાઢી પોતાની શેરી અને આખા ગામમાં સફાઈ કરવી જોઈએ તથા વૃક્ષોને પાણી પીવડાવું જોઈએ.

પર્યાવરણની જાળવણી માટે રાજ્યપાલએ જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું. તેમજ આવનારો જન્મ દિવસ કે લગ્નનની વર્ષગાંઠ ન આવે ત્યાં સુધી તેનું જતન કરવા પણ જણાવ્યું હતું. વૃક્ષ ૨૪ કલાક ઓક્સિજન આપે છે, જેથી ભવિષ્યમાં ઓક્સિજનની અછત જેવી સમસ્યાઓ નિવારવા દરેક ગ્રામજને દર વર્ષે એક વૃક્ષ રોપવાનો સંકલ્પ લેવો જોઈએ.

સ્વાસ્થ્યની ગંભીરતા અંગે જણાવતા રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, સ્વાસ્થ્યને સારું રાખવા માટે સાત્વિક આહાર લેવો અનિવાર્ય છે. જંક ફુડને ગ્રહણ કરવું શરીર માટે હાનિકારક છે. સારું સ્વાસ્થ્ય રહશે તો ઘર- પરિવાર આગળ વધશે. તમાકુ, દારૂ કે ગુટકા જેવા વ્યસનોમાં શરીર બગાડવું જોઈએ નહીં, કારણ કે તે કેન્સર જેવી ભયંકર બીમારીઓનું મૂળ છે. આવી જીવલેણ બીમારીની સારવાર પાછળ ઘરમાં પૈસાની તંગી પડે, આર્થિક સ્થિતિ ડામાડોળ થાય છે, પરિવાર દુઃખી થાય છે, આવા વ્યસનથી દુર રહી શુદ્ધ અને સાત્વિક આહાર લેવો ફાયદાકારક છે.

રાજ્યપાલએ ખાસ કરીને નવી પેઢીના ઘડતર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, જો સંતાનો સંસ્કારી અને વ્યસનમુક્ત હશે, તો જ દેશની સંપત્તિ અને સમાજ સુરક્ષિત રહેશે. બાળકને શિક્ષિત અને સંસ્કારી બનાવશો તો તે ધન એકઠું કરી લેશે પણ જો તે વ્યસની બનશે તો ભેગું કરેલું ધન પણ વેડફી દેશે. બાળકોને સંસ્કારી બનાવવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો. તેમણે વડીલોની આજ્ઞાનું પાલન કરવા અને વેદોમાં દર્શાવેલા પ્રાચીન સંસ્કારોના માર્ગે ચાલવા જણાવ્યું હતું.

ગામના ખેડૂતોને સંબોધતા તેમણે યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી 'પ્રાકૃતિક કૃષિ' અપનાવવા અને ખેતીની સાથે પશુપાલન દ્વારા આવક વધારવા અપીલ કરી હતી.

આ ગ્રામસભામાં જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણય વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, આત્માના ડાયરેક્ટર, જિલ્લા વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ, સરપંચ, તલાટી સહિત મોટી સંખ્યામાં સન્માનીય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande