વડાપ્રધાન મોદી ઈટાલી પહોંચ્યા, જ્યોર્જિયા મેલોની સાથે ડિનર પર મુલાકાત
નવી દિલ્હી, 20 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પોતાના છ દિવસીય પાંચ દેશોના વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ગઈકાલે રાત્રે ઈટાલીની રાજધાની રોમ પહોંચ્યા, જ્યાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ, વડાપ્રધાન મોદીના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું હ
વડાપ્રધાન મોદી સાથે જ્યોર્જિયા મેલોની


નવી દિલ્હી, 20 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પોતાના છ દિવસીય પાંચ દેશોના વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ગઈકાલે રાત્રે ઈટાલીની રાજધાની રોમ પહોંચ્યા, જ્યાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ, વડાપ્રધાન મોદીના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું હતું અને આ પ્રસંગે બંને નેતાઓએ ભારત-ઈટાલી સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે અનૌપચારિક રીતે ગહન વિચાર-વિમર્શ કર્યો.

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈટાલી પહોંચવા પર વડાપ્રધાન મોદીનું સ્વાગત ખાસ અંદાજમાં કર્યું અને તેમની સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું, મારા મિત્ર, રોમમાં તમારું સ્વાગત છે.

વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, રોમ પહોંચવા પર તેમને વડાપ્રધાન મેલોની સાથે ડિનર પર મળવાની અને કોલોસિયમની મુલાકાત લેવાની તક મળી. અનેક વિષયો પર વિચારો શેર કરવામાં આવ્યા અને આજે યોજાનારી વાર્તાલાપમાં ભારત-ઈટાલી મિત્રતાને વધુ આગળ વધારવા પર ચર્ચા ચાલુ રહેશે.

આ પછી વડાપ્રધાન મોદીએ ઈટાલીમાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી. તેમણે અન્ય એક પોસ્ટમાં આ અંગેની માહિતી આપતા લખ્યું કે, ભારતીય સમુદાય દ્વારા રોમમાં આપવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત માટે હું અત્યંત આભારી છું. તેમનો ભારત પ્રત્યેનો ઊંડો સ્નેહ અને ભારત-ઈટાલી સંબંધોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. ભારતીય પ્રવાસીઓ સમગ્ર વિશ્વમાં આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારે છે.

સાથે જ વડાપ્રધાન મોદીએ ઈટાલીના પ્રખ્યાત ચિત્રકાર જિયામ્પાઓલો ટોમાસેટ્ટી સાથે પણ મુલાકાત કરી. તેમણે કાશી પર આધારિત તેમની પેઇન્ટિંગ જોઈ. વડાપ્રધાને એક્સ પર લખ્યું કે, રોમમાં કાશીની ઝલક. ટોમાસેટ્ટીનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ ચાર દાયકા જૂનો છે. તેમણે 1980 ના દાયકામાં વૈદિક સંસ્કૃતિ પર આધારિત પુસ્તકો માટે ચિત્રણ કર્યું હતું અને 2008 થી 2013 વચ્ચે મહાભારત પર આધારિત 23 મોટી પેઇન્ટિંગ્સ તૈયાર કરી હતી.

વડાપ્રધાને અન્ય એક પોસ્ટમાં જણાવ્યું કે, રોમમાં ભારતીય નૃત્યના ઉત્સાહી પાંચ ઈટાલિયન કલાકારો સ્વામિની આત્માનંદ ગિરી, માર્ટીના મીનાક્ષી આર્ગાદા, લુક્રેઝિયા મેનિસ્કોટી, વેલેરિયા વેસ્પાઝિયાની અને રોસેલા ફનેલીએ 'ત્રિગલબંદી' રજૂ કરી, જેમાં કુચીપુડી, ભરતનાટ્યમ અને કથક સામેલ હતા. તેમણે લખ્યું કે, આ જોવું અદભુત છે કે ભારતીય નૃત્ય શૈલીઓ વૈશ્વિક સ્તરે રસ અને આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સચિન બુધૌલિયા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande