
વલસાડ, 20 મે (હિ.સ.) : ભારત સરકારના ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તથા પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં જનભાગીદારી અભિયાન “સબસે દૂર, સબસે પહેલે”નો પ્રારંભ તા. ૧૯ મેથી કરવામાં આવ્યો હતો. જિલ્લાભરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વધુમાં વધુ લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે હેતુથી વિવિધ તાલુકાઓમાં કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અભિયાનના બીજા દિવસે તા. ૨૦ મેના રોજ જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં યોજાયેલા કેમ્પોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો.
પારડી તાલુકાના સુખેશ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા કેમ્પમાં નાના વાઘછીપા, બોરલાઈ, સુખેશ, સુખલાવ અને સોનવાડા ગામના લાભાર્થીઓ જોડાયા હતા. નાનાપોંઢા તાલુકાના મોટી તંબાડી ગામ ખાતે યોજાયેલા કેમ્પમાં નાની તંબાડી અને ચીભડકચ્છ ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો.
ધરમપુર તાલુકાના બામટી ગામમાં યોજાયેલા કેમ્પમાં આસુરા, રાનપાડા, બામટી, બારસોલ, ખારવેલ, ભાભા, મરઘમાળ, વિરવલ રાજપુરી તલાટ, નાની ઢોલડુંગરી અને મોટી ઢોલડુંગરી ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ તાલુકાના સેગવા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં ગોરગામ, અંદરગોટા, તીઘરા, અટગામ, સેગવા, કોચવાડા, પીઠા, ઠક્કરવાડા, સારંગપુર, કાપરીયા અને કાંજણરણછોડ ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો.
ઉમરગામ તાલુકાના એકલાહરે ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા કેમ્પમાં અણગામ, એકલાહરે, નાહુલી, જંબુરી અને મોહનગામના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કપરાડા તાલુકાના સુથારપાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલા કેમ્પમાં ફળી, સુથારપાડા, વાવર, કુંડા, ગીરનારા, કેળધા, પાંચાવેરા, માલઘર, વિરક્ષેત્ર, આસલોણા, પીપલસેત અને વડોલી ગામના લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ મેળવ્યો હતો.
કેમ્પ દરમિયાન આધારકાર્ડ, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, આયુષ્યમાન કાર્ડ, પીએમ કિસાન, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જનધન યોજના, પેન્શન યોજના, વીમા યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, નલ સે જલ યોજના તથા એનએફએસએ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha