અંજારમાં ગેરકાયદેસર વીજ કનેકશન સામે પોલીસનો કડક દંડાત્મક એક્શન, ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ પર તવાઈ
કચ્છ, 20 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના અંજાર શહેરમાં પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર વીજ કનેકશનનો ઉપયોગ કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક શખ્સ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા સમાજવિરોધી પ્રવૃત્તિઓ
ઇલેક્ટ્રિક કનેક્શન પર કાર્યવાહી


કચ્છ, 20 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના અંજાર શહેરમાં પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર વીજ કનેકશનનો ઉપયોગ કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક શખ્સ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા સમાજવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વો અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એવા શખ્સોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી, જેઓ મિલ્કત સંબંધિત ગુનાઓ, બૂટલેગિંગ તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં અગાઉ સંડોવાયેલા રહ્યા છે.

તપાસ દરમિયાન અંજારના હેમલાઈ ફળીયા વિસ્તારમાં રહેતા રફીક અલીશા સૈયદના રહેણાંક મકાનની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે મકાનમાં ગેરકાયદેસર રીતે વીજ કનેકશન મેળવી વીજળીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ અંજાર પોલીસ અને પીજીવીસીએલની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ટીમ દ્વારા ગેરકાયદેસર વીજ કનેકશન તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યું હતું. સાથે જ મકાનમાં વીજળીના ઉપયોગ માટે વપરાતા ઇલેક્ટ્રિક સાધનોની યાદી તૈયાર કરી વીજચોરીના મામલે અંદાજિત રૂ. ૧.૨૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડ પીજીવીસીએલ મારફતે આરોપી પાસેથી વસૂલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ ચોરી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. અંજાર, ભચાઉ અને પ્રાગપર પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ મિલ્કત સંબંધિત ગુનાઓ હેઠળ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આવા તત્વો સામે હવે માત્ર કાયદેસર ગુનાઓમાં જ નહીં પરંતુ ગેરકાયદેસર સુવિધાઓના ઉપયોગ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે.

અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ સબ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તેમજ પીજીવીસીએલ અંજારની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સમગ્ર કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પોલીસ દ્વારા જણાવાયું છે કે ભવિષ્યમાં પણ આવા ચેકિંગ અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે અને કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande