ગણતરીના કલાકોમાં ભચાઉ પોલીસનો ચોરીકાંડનો ભેદ ઉકેલાયો, લાખોની માલમત્તા સાથે આરોપીઓ ઝડપાયા
કચ્છ, 20 મે (હિ.સ.) : ભચાઉ શહેરમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતા પોલીસની કામગીરીને પ્રશંસા મળી રહી છે. દુકાનમાં તોડફોડ કરી કિંમતી સામાનની ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડીને પોલીસે ચોરી કરાયેલ મુદ્દામાલ પણ કબજે
ભચાઉ ચોરી કેસ આરોપી


કચ્છ, 20 મે (હિ.સ.) : ભચાઉ શહેરમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતા પોલીસની કામગીરીને પ્રશંસા મળી રહી છે. દુકાનમાં તોડફોડ કરી કિંમતી સામાનની ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડીને પોલીસે ચોરી કરાયેલ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પૂર્વ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને રોકવા અને નોંધાયેલા ગુનાઓને ઝડપથી ડિટેક્ટ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ કામગીરી પાર પાડવામાં આવી હતી.

ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સુખપર ગામના રહેવાસી ભરતભાઈ રતાભાઈ રાતડીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ ચોરીની ઘટનામાં સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ હોન્ડા કંપનીની કાર તેમજ ચોરી કરાયેલા સી.પી.યુ. અને હાર્ડડિસ્ક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. ૪.૧૦ લાખ હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે ઝડપી કામગીરી કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande