
કચ્છ, 20 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનામાં ભચાઉ પોલીસે ગણતરીના દિવસોમાં જ બે આરોપીઓને ઝડપી પાડી કાયદાની પકડ મજબૂત બનાવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. જિલ્લાભરમાં ગંભીર ગુનાઓને રોકવા અને ઝડપથી ગુનાઓ ઉકેલવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે ભચાઉ પોલીસ સક્રિય બની હતી.
ગત તા. ૮ મે, ૨૦૨૬ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશનમાં અપહરણ સંબંધિત ગુનો નોંધાયા બાદ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવા માટે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મળેલા ચોક્કસ ઇનપુટના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પકડાયેલા આરોપીઓમાં પંડયાગઢ ગામે રહેતો મુબારક હાસમ હિંગોરજા અને આડેસર વિસ્તારનો અલ્તાફ દિનમામદ હિંગોરજા સામેલ છે. બંને આરોપીઓએ ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લીધેલી હુન્ડાઈ કંપનીની “ક્રેટા” કાર પણ પોલીસે કબ્જે કરી છે. કારનો નંબર જીજે-૩૯-સીએ-૮૪૬૪ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા અંદાજે રૂપિયા ૩.૫૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ભચાઉ પોલીસે અત્યંત ઝડપ અને સચોટ આયોજન સાથે કાર્યવાહી કરતાં આરોપીઓને ટૂંકા સમયમાં જ કાબૂમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ સફળ કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ મજબૂતી મળી હોવાનું માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar