મોબાઈલ યુગમાં બાળકોના માનસિક વિકાસ માટે ભુજમાં ચેસ એકેડમીનો પ્રારંભ
કચ્છ, 20 મે (હિ.સ.) : ભુજ શહેરમાં બાળકો અને યુવાનોમાં બુદ્ધિ વિકાસ, એકાગ્રતા અને તાર્કિક વિચારશક્તિ વધારવાના હેતુથી એક નવી પહેલ કરવામાં આવી છે. અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી તથા સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડ
ચેસ એકેડમીનો પ્રારંભ કરાવતા આગેવાનો


કચ્છ, 20 મે (હિ.સ.) : ભુજ શહેરમાં બાળકો અને યુવાનોમાં બુદ્ધિ વિકાસ, એકાગ્રતા અને તાર્કિક વિચારશક્તિ વધારવાના હેતુથી એક નવી પહેલ કરવામાં આવી છે. અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી તથા સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ શ્રી ક.વી.ઓ. સખીવૃંદ દ્વારા સંચાલિત “ક.વી.ઓ. ચેસ એકેડમી”નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, સખીવૃંદની બહેનો તેમજ યુવા પાંખના હોદ્દેદારોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ઉત્સાહભર્યું બનાવી દીધું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા, સખીવૃંદના પ્રમુખ પ્રિતીબેન છેડા, જાણીતા ચેસ કોચ સંજયભાઈ દાવડા તેમજ મહાજન અને સંઘના ટ્રસ્ટીઓએ શુભહસ્તે કાર્યક્રમને પ્રારંભ આપ્યો હતો.

આ પ્રસંગે સખીવૃંદના પ્રમુખ પ્રિતીબેન છેડાએ જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકો અને યુવાનોમાં મોબાઈલ અને ડિજિટલ ઉપકરણો પ્રત્યે વધતી જતી નિર્ભરતા વચ્ચે મગજની ક્ષમતાનો યોગ્ય વિકાસ થાય તે માટે ચેસ જેવી રમત અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. ચેસ માત્ર રમત નહીં પરંતુ વિચારશક્તિ, ધીરજ અને આયોજનશક્તિ વિકસાવવાનું શક્તિશાળી માધ્યમ છે. આ હેતુને ધ્યાનમાં રાખીને ચેસ એકેડમી શરૂ કરવામાં આવી છે જેથી વધુમાં વધુ બાળકો અને વાલીઓ તેનો લાભ લઈ શકે.

એકેડમીના નિયમિત વર્ગો દર મંગળવાર, બુધવાર અને શનિવારે સાંજે 6:30 થી 7:30 તેમજ 7:30 થી 8:30 દરમિયાન યોજાશે. પાંચ વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ આ વર્ગોમાં જોડાઈ શકશે. પ્રારંભના દિવસે યોજાયેલા નિઃશુલ્ક ડેમો ક્લાસને વાલીઓ અને બાળકો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો. અંદાજે ત્રીસથી વધુ બાળકોએ પ્રથમ દિવસે જ ભાગ લઈ ચેસ પ્રત્યેનો ઉત્સાહ દર્શાવ્યો હતો. સંચાલકોએ જણાવ્યું હતું કે આગામી 23 મે 2026થી નિયમિત નવા બેચની શરૂઆત કરવામાં આવશે.

ચેસ કોચ સંજયભાઈ દાવડાએ જણાવ્યું હતું કે ચેસની રમત બાળકોમાં એકાગ્રતા, ઝડપી નિર્ણયક્ષમતા અને સતર્કતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સતત અભ્યાસથી બાળકોના શૈક્ષણિક વિકાસમાં પણ સકારાત્મક અસર જોવા મળે છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સખીવૃંદની બહેનોમાં ભક્તિ વોરા, નિરાલી હરિયા, કેતન નાગડા, રીમા ગોગરી, ચૈતાલી પાસડ, હિરલ પાસડ, ઈશા દેઢીયા અને કાજલ ગાલાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે મહાજનના ખજાનચી હરેશભાઈ ગોગરી, સહમંત્રી હિરેનભાઈ પાસડ, ટ્રસ્ટી અમિતભાઈ વોરા, શ્રી ભુજ ક.વી.ઓ. જૈન સંઘના ટ્રસ્ટી મનીષભાઈ નાગડા, ધીરેનભાઈ પાસડ તથા યુવા પાંખના પ્રમુખ ઈશાન મોતા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમગ્ર આયોજન અને વ્યવસ્થાપનમાં સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલાએ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande