
કચ્છ, 20 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં સગીરાઓના અપહરણ જેવા ગંભીર ગુનાઓને લઈને પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે. આવી જ એક ઘટનામાં ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઝડપી કાર્યવાહી દ્વારા સગીર વયની દીકરીને સુરક્ષિત રીતે શોધી કાઢી આરોપીને હરિયાણાના ગુરૂગ્રામમાંથી પકડી પાડ્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસની સતર્કતા અને સંકલિત કામગીરી પ્રશંસનીય બની રહી છે.
મળતી માહિતી મુજબ ગાંધીધામના સતરાહજાર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને એક યુવક લલચાવીને પોતાની સાથે લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ સંબંધિત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મામલો સામે આવતા જ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આરોપી અને સગીરાને શોધવા માટે વિશેષ દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
અંજાર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાબડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની ટીમે તપાસનો દોર ઝડપી બનાવ્યો હતો. ટેકનિકલ એનાલિસિસ અને સર્વેલન્સની મદદથી પોલીસને માહિતી મળી હતી કે આરોપી હરિયાણા રાજ્યના ગુરૂગ્રામ વિસ્તારમાં છુપાયો છે. ત્યારબાદ ગાંધીધામ પોલીસની વિશેષ ટીમ તાત્કાલિક હરિયાણા રવાના થઈ હતી.
પોલીસ ટીમે ચોક્કસ બાતમી અને સતત ટ્રેકિંગના આધારે ગુરૂગ્રામ વિસ્તારમાં દરોડા પાડી આરોપીને ઝડપી લીધો હતો. સાથે જ સગીરાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા સગીરાને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી, જ્યારે આરોપીની કાયદેસરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીની ઓળખ રોહિતકુમાર ઉર્ફે ગોલુ રંજન ભગત તરીકે થઈ છે. આરોપી હાલમાં ગાંધીધામના સતરાહજાર વિસ્તારમાં રહેતો હતો, જ્યારે મૂળ બિહાર રાજ્યના પટના જિલ્લાના ટીકાઇચક વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઓપરેશનમાં ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસની ઝડપી કામગીરી અને ટેકનિકલ તપાસના અસરકારક ઉપયોગને કારણે સગીરાનું સલામત રેસ્ક્યુ શક્ય બન્યું હોવાનું પોલીસ વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar