
કચ્છ, 20 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના વધતા ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. “સે નો ટુ ડ્રગ્સ” અભિયાન અંતર્ગત ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે એન.ડી.પી.એસ. ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી પાડીને નશાના કારોબાર સામે મોટો પ્રહાર કર્યો છે. સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવા માટે તમામ પોલીસ મથકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સતત સક્રિય બની કાર્યવાહી કરી રહી છે.
તાજેતરમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુનામાં પોલીસે ગાંજાના જથ્થાના સપ્લાય સાથે સંકળાયેલા આરોપીઓને શોધવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને સૂત્રોની મદદથી તપાસ તેજ બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળતા ટીમે કાર્યવાહી હાથ ધરી અને લાંબા સમયથી ફરાર રહેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ ગજુરામ અમરસિંગ યાદવ તરીકે થઈ છે, જે હાલ ગાંધીધામ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનો મૂળ વતન છત્તીસગઢ રાજ્યના ધમતરી જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે. આરોપી નશીલા પદાર્થોના સપ્લાય નેટવર્ક સાથે જોડાયેલ હોવાની આશંકાને આધારે પોલીસે તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી અંજાર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમાર સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નશાના કારોબાર સામે સતત કાર્યવાહી હાથ ધરાતા આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યુવાનોના ભવિષ્યને બરબાદ કરતી નશાની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે અને આવનાર સમયમાં પણ આવી ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar