નવજીવન વૃદ્ધાશ્રમમાં જન્મદિવસની કરાઈ અનોખી ઉજવણી
કચ્છ, 20 મે (હિ.સ.) : ભુજ શહેરના નવજીવન શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમમાં એક અનોખી લાગણીસભર ઉજવણી યોજાઈ હતી, જેણે હાજર દરેકના હૃદયને સ્પર્શી લીધા હતા. ભારતીય જૈન સંગઠન દ્વારા પ્રમુખ ગીતાબેન પારેખ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૪૦થી વધુ વડ
નવજીવન વૃધ્ધાશ્રમ


કચ્છ, 20 મે (હિ.સ.) : ભુજ શહેરના નવજીવન શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમમાં એક અનોખી લાગણીસભર ઉજવણી યોજાઈ હતી, જેણે હાજર દરેકના હૃદયને સ્પર્શી લીધા હતા. ભારતીય જૈન સંગઠન દ્વારા પ્રમુખ ગીતાબેન પારેખ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૪૦થી વધુ વડીલ માતાઓ સાથે સ્નેહ, લાગણી અને માનવતાનો અદભુત મેળાપ જોવા મળ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત નવકાર મંત્રની પ્રાર્થનાથી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ભાવનાથી છલકાઈ ઊઠ્યું હતું. ત્યારબાદ લતા વોરા દ્વારા રજૂ કરાયેલા ભાવસભર ગીતે વૃદ્ધાશ્રમમાં રહેલી માતાઓની લાગણીઓને સ્પર્શી હતી. ગીતના સ્વરો સાથે અનેક વડીલોના ચહેરા પર સ્મિત અને આંખોમાં ભીનાશ એકસાથે જોવા મળી હતી.

શરૂઆતમાં વૃદ્ધાશ્રમમાં રહેલી કેટલીક માતાઓને એવું લાગ્યું હતું કે, કદાચ કોઈ વ્યક્તિગત ઉજવણી કે જન્મદિવસનો કાર્યક્રમ હશે, પરંતુ જ્યારે સંગઠનની બહેનોએ તેમની વચ્ચે જઈ “આજે અમે તમારી દીકરીઓ બનીને આવ્યા છીએ” એવા પ્રેમાળ શબ્દો સાથે તેમને હૂંફ આપી, ત્યારે સમગ્ર માહોલ ભાવુક બની ગયો હતો. પરિવારથી દૂર જીવન જીવતી માતાઓ માટે આ ક્ષણ અત્યંત યાદગાર બની રહી હતી. ઘણા વડીલોના ચહેરા પર વરસો પછી લાગણીભર્યું સ્મિત જોવા મળ્યું હતું.

આ પ્રસંગે પ્રમુખ ગીતાબેન પારેખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં મધર્સ ડે માત્ર ઔપચારિક શુભેચ્છાઓ પૂરતો મર્યાદિત રહી ગયો છે, પરંતુ સમાજમાં એવી પણ અનેક માતાઓ છે, જેઓ પોતાના સંતાનોની નજીક રહી શકતી નથી. આવા સમયે તેમની સાથે થોડો સમય વિતાવવો અને તેમને લાગણીનો અહેસાસ કરાવવો એ જ સાચી ઉજવણી છે. તેમણે જણાવ્યું હતું કે, સંગઠનની બહેનો અહીં કોઈ ઉપકાર કરવા નહીં પરંતુ માતૃત્વના આશીર્વાદ મેળવવા દીકરી તરીકે આવી છે.

કાર્યક્રમ દરમિયાન વડીલો સાથે કેક કટિંગ, આઈસક્રીમ પાર્ટી અને હળવા મનોરંજક સંવાદોનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૮૨ જેટલા વડીલો સાથે પ્રેમભર્યો મેળાવડો યોજાયો હતો. આઈસક્રીમ માટે સરલા ભદ્રેશ દોશી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે BJS ના અનેક હોદ્દેદારો અને સભ્ય બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં કાજલ ગાંધી, મિરલ શાહ, સરલા દોશી, પ્રીતિ શેઠ, લતા વોરા, સોનુ કોઠારી, બીજલ પારેખ, રક્ષા કોઠારી, નીલમ મોરબિયા અને રમીલા મહેતા સહિત અનેક બહેનો ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી સોનુ મહેતા દ્વારા આપવામાં આવી હતી.

આ અનોખી ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજમાં માનવતા અને લાગણીનું જીવંત ઉદાહરણ બની રહી હતી. વૃદ્ધાશ્રમમાં રહેલી માતાઓ માટે આ દિવસ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande