
ભોપાલ, નવી દિલ્હી, 20 મે (હિ.સ.) ઓનલાઈન દવા વેચાણ (ઈ-ફાર્મસી) ના વિરોધમાં બુધવારે મધ્ય પ્રદેશના દવા વેપારીઓએ દેશવ્યાપી આહવાન પર રાજ્યવ્યાપી તાળાબંધી કરી. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી) ના બેનર હેઠળ આયોજિત આ એક દિવસીય સાંકેતિક હડતાળને કારણે રાજ્યની આશરે 41 હજાર દવાની દુકાનોના શટર પડેલા રહ્યા.
હડતાળના કારણે એકલી રાજધાની ભોપાલમાં 3 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ સવારથી જ બંધ રહ્યા. જો કે, સામાન્ય જનતાને ગંભીર સંકટમાંથી બચાવવા માટે હોસ્પિટલોની અંદર કાર્યરત મેડિકલ સ્ટોર્સને આ બંધમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં સામાન્ય દર્દીઓ અને તેમના પરિજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
ભોપાલના જથ્થાબંધ દવા બજારમાં સવારથી જ કેમિસ્ટો એકત્ર થવાનું શરૂ થઈ ગયું હતું. અહીંથી તમામ વેપારીઓ સૂત્રોચ્ચાર કરતા કલેક્ટરેટ પહોંચ્યા અને કલેક્ટર પ્રિયંક મિશ્રાને આવેદનપત્ર સોંપ્યું. એઆઈઓસીડી ના મહાસચિવ રાજીવ સિંઘલે આ બાબતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આ મામલો સીધો જનતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. હાલમાં ઓનલાઈન મળતી દવાઓની ગુણવત્તા અને તેની દેખરેખ માટે કોઈ મજબૂત સિસ્ટમ નથી.
ખંડવામાં પણ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ગોવર્ધન ગોલાણીની આગેવાનીમાં વેપારીઓએ કલેક્ટરેટ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે ડ્રગ એક્ટમાં ક્યાંય પણ દવાઓના ઓનલાઈન વેચાણની જોગવાઈ નથી. કોરોના કાળમાં આમાં કામચલાઉ ધોરણે છૂટ આપવામાં આવી હતી, પરંતુ હવે તેનો દુરુપયોગ વધી રહ્યો છે. ડોકટરોના પ્રિસ્ક્રિપ્શન વિના ગર્ભપાત અને નશીલી દવાઓ ઓનલાઈન સરળતાથી મંગાવવામાં આવી રહી છે, જે યુવાનો માટે અત્યંત જોખમી છે.
બીજી તરફ, શાજાપુરમાં જિલ્લા પ્રમુખ વિકાસ સિંદલની આગેવાની હેઠળ વડાપ્રધાનના નામે એસડીએમ મનીષા વાસ્કલેને આવેદનપત્ર સોંપીને ઓનલાઈન કંપનીઓની ભારે છૂટછાટ (ડિસ્કાઉન્ટ પોલિસી) પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી.
મૈહર જિલ્લામાં પણ દવા વિક્રેતા સંઘે પ્રદર્શન કરીને કલેક્ટરેટ પહોંચીને વડાપ્રધાનના નામે ડેપ્યુટી કલેક્ટર અશ્મિતા પટેલને આવેદનપત્ર સોંપ્યું. મૈહરના અમરપાટણ અને રામનગરને મળીને અંદાજે 567 મેડિકલ સ્ટોર છે, જ્યારે મૈહર શહેરમાં 80 મેડિકલ સ્ટોર છે, જે આજે સંપૂર્ણપણે બંધ રહ્યા.
દર્દીઓને થઈ પરેશાની
દવાની દુકાનો બંધ હોવાના કારણે સૌથી વધુ પરેશાની એવા દર્દીઓને થઈ જેઓ નિયમિત અને ગંભીર બીમારીઓની દવાઓ માટે સંપૂર્ણ રીતે રીટેલ સ્ટોર્સ પર નિર્ભર છે. ગ્વાલિયરના દવા બજારમાં પોતાની 75 વર્ષીય પત્ની માટે જરૂરી દવા શોધી રહેલા વૃદ્ધ હરિઓમ કશ્યપે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે તેઓ લાંબા સમયથી ભટકી રહ્યા છે, પરંતુ બધું બંધ છે. જો સમયસર દવા નહીં મળે તો તેમની પત્નીની તબિયત ઘણી બગડી શકે છે.
ગ્વાલિયર મેડિકલ એસોસિએશનના સેક્રેટરી મહેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે જિલ્લાના તમામ 2200 જથ્થાબંધ અને છૂટક સ્ટોર્સ બંધ છે. તેમણે ચેતવણી આપી કે જો ઓનલાઈન વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન કરવામાં આવશે.
ગુનામાં નીકળી બાઇક રેલી
ગુના જિલ્લામાં ઈ-ફાર્મસીના વિરોધમાં મેડિકલ સંચાલકોએ સુગન ચોરાહા અને ભગત સિંહ ચોરાહાથી કલેક્ટરેટ સુધી એક વિશાળ બાઇક રેલી કાઢી. બીજી તરફ પાંઢુરણા જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી, જ્યાં અંદાજે 150 દુકાનો બંધ રહેવાને કારણે દર્દીઓને ભટકવું પડ્યું હતું અને ખાનગી સ્ટોર્સ બંધ હોવાને કારણે સરકારી હોસ્પિટલોમાં અચાનક દર્દીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. જિલ્લા મેડિકલ સંઘના પ્રમુખ મનોજ ખરવડેએ જણાવ્યું હતું કે ઓનલાઈન દવાઓ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે મોટો ખીલવાડ છે.
ઇમરજન્સી માટે જિલ્લા સ્તરે બની ટાસ્ક ફોર્સ
હડતાળ દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર અને એસોસિએશન દ્વારા જિલ્લા સ્તરે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. કટોકટીની સ્થિતિ માટે કેટલાક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેના પર કોલ કરવાથી જરૂરિયાતમંદ દર્દીઓ સુધી દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય હોસ્પિટલોની અંદર આવેલા મેડિકલ સ્ટોર્સ પર સતત દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ઉમેદ સિંહ રાવત / વિરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ