
ઈન્દોર, નવી દિલ્હી, 20 મે (હિ.સ.). મધ્યપ્રદેશના ઈન્દોરમાં બ્રિક્સ યુવા ઉદ્યોગસાહસિકતા કાર્યકારી જૂથની બે દિવસીય બેઠક, આજે શરૂ થવા જઈ રહી છે. સુદૃઢતા, નવીનતા, સહયોગ અને સ્થિરતા માટે નિર્માણ વિષય પર આયોજિત આ બેઠકમાં યુવા ઉદ્યોગસાહસિકો અને બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. બેઠકની અધ્યક્ષતા ભારત કરશે. તેનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનો યુવા કાર્યક્રમ વિભાગ કરી રહ્યો છે.
જનસંપર્ક અધિકારી મહિપાલ અજયે જણાવ્યું કે, આ કાર્યક્રમને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ બેઠકના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસે કરશે. હોટેલ મેરિયટ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સરકારી વિભાગો અને ઔદ્યોગિક એકમોનું પ્રદર્શન પણ યોજાશે. રક્ષા ખડસે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. મધ્યપ્રદેશના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગ અને યુવા કાર્યક્રમ વિભાગના સચિવ ડૉ. પલ્લવી જૈન ગોવિલ પણ પોતાના વિચારો વ્યક્ત કરશે.
નોંધનીય છે કે, બ્રિક્સ કૃષિ જૂથની બેઠક ઈન્દોરમાં 9 અને 13 જૂનના રોજ યોજાવાની છે. આ પહેલા બ્રિક્સ યુવા ઉદ્યોગસાહસિકતા કાર્યકારી જૂથ (એન્ટરપ્રિન્યોર વર્કિંગ ગ્રુપ-ઈડબલ્યુજી)ની યજમાની ઈન્દોરને મળી છે. આ બે દિવસીય બેઠકમાં બ્રિક્સ જૂથના પ્રતિનિધિઓ પોતાના દેશોનું પ્રેઝન્ટેશન આપશે. આમાં તેઓ પોતપોતાના દેશોની ઉદ્યોગસાહસિકતા ઈકોસિસ્ટમ, નવીનતા મોડલ અને યુવા ઉદ્યોગસાહસિકતા પહેલની માહિતી શેર કરશે. આ ઉપરાંત ડિજિટલ નવીનતા અને ટેક્નોલોજી આધારિત નવીનતા, સમાવેશી ઉદ્યોગસાહસિકતા, ગ્રીન ઉદ્યોગસાહસિકતા અને જલવાયુ સકારાત્મક બિઝનેસ મોડલ પર પેનલ ચર્ચા થશે.
21 મે: આઈટી પાર્ક અને પીથમપુરની ફાર્મા ઈન્ડસ્ટ્રીનું અવલોકન કરશે
બેઠકના બીજા દિવસે ઉદ્યોગસાહસિકતા ક્ષમતા અને નેતૃત્વ વિકાસ પર આયોજિત કાર્યશાળામાં બ્રિક્સ જૂથના દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. ત્યારબાદ પ્રતિનિધિમંડળ ક્રિસ્ટલ આઈટી પાર્કની મુલાકાત લેશે, જ્યાં તેમને રાજ્યમાં વિકસી રહેલા આઈટી અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વિશે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત પ્રતિનિધિઓ પીથમપુર સ્થિત સિપ્લા લિમિટેડ કંપનીની મુલાકાત લઈને ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને આધુનિક ઔદ્યોગિક પ્રક્રિયાઓનું અવલોકન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ