
શહડોલ, નવી દિલ્હી, 20 મે (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત આજે મધ્ય પ્રદેશના શહડોલ આવી રહ્યા છે. તેઓ અહીં ત્રણ દિવસના પ્રવાસે રહેશે. તેમના આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે.
સરસંઘચાલક ડૉ. ભાગવતનું પહેલીવાર શહડોલ આગમન થઈ રહ્યું છે. તેઓ આજે ટ્રેન દ્વારા કટની પહોંચશે અને સડક માર્ગે શહડોલ આવશે. જિલ્લામાં પ્રથમ વખત તેમના પ્રવાસને ધ્યાનમાં રાખીને ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, જેમાં અંદાજે 350 અધિકારીઓ અને જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં સીઆઈએસએફ, સ્પેશિયલ બ્રાન્ચ, જિલ્લા પોલીસ અને આસપાસના જિલ્લાઓમાંથી બોલાવવામાં આવેલ સુરક્ષા દળો સામેલ છે.
સરસંઘચાલક ડૉ. ભાગવતનો મુખ્ય કાર્યક્રમ પાંડવ નગર સ્થિત સરસ્વતી સ્કૂલ પરિસરમાં આયોજિત બૌદ્ધિક શિબિરમાં થશે. આ શિબિરમાં 300 થી વધુ શિક્ષાર્થીઓ ભાગ લેશે. પ્રવાસ દરમિયાન તેઓ અનેક બૌદ્ધિક અને સંગઠનાત્મક સત્રોમાં ભાગ લેશે.
તેમના આગમનને જોતાં પાંડવ નગર વિસ્તારને વિશેષ સુરક્ષા ઘેરામાં રાખવામાં આવ્યો છે. સ્કૂલ પરિસરમાં 24 કલાક સુરક્ષા વ્યવસ્થા રહેશે, જ્યારે 500 મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રવેશ કરનાર દરેક વ્યક્તિની સઘન તપાસ કરવામાં આવશે. સીસીટીવી દેખરેખ અને મલ્ટીલેયર સિક્યુરિટી સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે.
શહડોલના પોલીસ અધિક્ષક રામજી શ્રીવાસ્તવે જણાવ્યું કે, સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટે વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે. સરસંઘચાલકનો આ પ્રવાસ સંગઠનાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સમગ્ર જિલ્લાના સ્વયંસેવકો અને સંઘના કાર્યકરોમાં તેમના આગમનને લઈને ભારે ઉત્સાહ છે. ડૉ. ભાગવત 22 મેની રાત્રે શહડોલથી પરત રવાના થશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ