
મહેસાણા, 20 મે (હિ.સ.) : મહેસાણા શહેરમાં દૂધસાગર ડેરી નજીક હાઇવે પર વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સીએનજી રીક્ષા ચાલક આધેડનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી મુજબ મહેસાણાની ઊંડીફળી અંબાજીપરા વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષીય અજીતસીંહ ઠાકોર સીએનજી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તા. ૧૯ મેની વહેલી સવારે તેઓ પોતાની રીક્ષા લઈને ધંધાર્થે નીકળ્યા હતા. તે દરમિયાન દૂધસાગર ડેરીથી રાધનપુર ચોકડી તરફ જતા સમયે અભય હોસ્પિટલ સામે પાછળથી પૂરઝડપે આવી રહેલા મહિન્દ્રા મેક્સ પીકઅપ ડાલા (RJ-54-GA-1517)ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે રીક્ષા રોડની બાઉન્ડ્રી સાથે અથડાઈ ગઈ હતી અને અજીતસીંહ ઠાકોર રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકોની મદદથી તેમને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ મામલે મૃતકના પુત્ર ભરતસીંહ ઠાકોરે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR