
મહેસાણા, 20 મે (હિ.સ.) : મહેસાણા શહેરના વોર્ડ નં-૧૨ વિસ્તારમાં શોભાસણ રોડ પર GUDC દ્વારા હાથ ધરાયેલા નવીન ગટર લાઇનના કામનું તા. ૧૯/૦૫/૨૦૨૬ના રોજ સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને કામ સમયસર પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિરીક્ષણ દરમિયાન ગટર લાઇનના ખોદકામ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા તેમજ સફાઈ બાબતો અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. વિસ્તારમાં રહેતા નાગરિકોએ કામને કારણે ઉભી થતી અવરજવર અને ધૂળની સમસ્યાઓ અંગે રજૂઆત કરતા અધિકારીઓએ યોગ્ય આયોજન સાથે કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે આ નવી ગટર લાઇનનું કામ મહત્વપૂર્ણ છે. વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઘટાડવા અને ગંદા પાણીના નિકાલને સરળ બનાવવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપીને કામ ઝડપથી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી હોવાનું જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR