
મહેસાણા, 20 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા ‘આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦’ તા. ૧૯/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. નાયબ બાગાયત નિયામક મહેસાણા દ્વારા ખેડૂતોને સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવા અપીલ કરવામાં આવી છે.
આ યોજનાઓ હેઠળ મુખ્યત્વે ત્રણ ઘટકોમાં સહાય આપવામાં આવશે. જેમાં ફળપાકોમાં ફિલ્ડ કવર દ્વારા ગુણવત્તાસભર ઉત્પાદન માટે પ્રતિ હેક્ટર મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦ સુધી સહાય મળશે. ઉપરાંત આદુ અને હળદર જેવા રાઈઝોમેટીક પાકોના વાવેતર માટે ખેડૂતોને વિવિધ કેટેગરી મુજબ રૂ. ૫૦,૦૦૦થી રૂ. ૭૫,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે.
ત્રીજા ઘટક હેઠળ બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવશે, જેમાં નિર્ધારિત સંખ્યામાં રોપા અને કલમોના વાવેતર પર સહાય મળશે. આ યોજના હેઠળ અતિઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને પણ લાભ મળશે.
ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ તથા જરૂરી દસ્તાવેજો મંજૂરી બાદ નાયબ બાગાયત નિયામક કચેરી, મહેસાણા ખાતે જમા કરાવવાના રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR